બજેટ 2025ની મહત્વની જાહેરાતોઃ કેન્સરની દવા સસ્તી, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ, જાણી લો શું સસ્તું અને શું મોંઘું થયું?

Budget2025

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ 2025 રજૂ કર્યુ હતું. નિર્મલા સીતારમણે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. તેમણે ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. આ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયાં હતાં. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી તેઓ ટેબ્લેટ લઈને સંસદ ભવન પહોંચ્યાં હતાં.

સીતારમણે 11.01 મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. 1 કલાક 17 મિનિટના બજેટ ભાષણ દરમિયાન તેમણે મહિલાઓ, યુવાનો, મધ્યમવર્ગ, સિનિયર સિટિઝન, વેપારીએ અને ખેડૂતો માટે પણ અનેક જાહેરાતો કરી હતી. જે નીચે મુજબ છે.

મહિલાઓ માટે જાહેરાત

  • પહેલીવાર ઉદ્યોગસાહસિક બનનારી મહિલાઓને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે.
  • SC-STનાં MSME મહિલા ઉદ્યોગસાહસિકો માટે ખાસ લોન યોજના.

યુવાનો માટે જાહેરાત

  • સ્ટાર્ટઅપ્સ માટે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવાશે.
  • મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડને પ્રોત્સાહન આપશે.
  • 500 કરોડ રૂપિયાથી 3 AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવાશે.
  • આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75 હજાર બેઠકોનો વધારો થશે.
  • મેડિકલ કોલેજોમાં 10 હજાર બેઠક વધશે.
  • પીએમ રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર નવી ફેલોશિપ આપવામાં આવશે.
  • દેશના 23 IITમાં 6500 બેઠક વધારવામાં આવશે.
  • પટના IITમાં હોસ્ટેલ સુવિધાઓ વધારવામાં આવશે.
  • કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરનાં કેન્દ્રો બનાવાશે.
  • બધી સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સાથે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી.
  • દેશમાં જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે, 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે.

મધ્યમવર્ગ માટે જાહેરાત

  • હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગશે નહી.
  • પગારદાર લોકો માટે ટેક્સ મર્યાદા 12.75 લાખ રૂપિયા છે અને 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.
  • 0થી 4 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટેક્સ.
  • 8થી 12 લાખ સુધી 10% ટેક્સ, 80 હજારનો નફો.
  • 12થી 16 લાખ સુધી 15% ટેક્સ, 70 હજારનો લાભ.
  • 16થી 20 લાખ સુધી 20% ટેક્સ.
  • 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ.
  • 1.10 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધીનો લાભ.
  • નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે મોટો ફાયદો.
  • વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી.
  • TDS મર્યાદા વધારીને રૂ.10 લાખ કરવામાં આવી.
  • ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને રૂ.6 લાખ કરવામાં આવ્યો.
  • તમે 4 વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકો છો.
  • મોબાઇલ ફોન અને ઇ-કાર સસ્તાં થશે.
  • EV અને મોબાઇલની લિથિયમ આયન બેટરી સસ્તી થશે.
  • LED-LCD ટીવી સસ્તાં થશે. કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5% કરવામાં આવી.
  • દેશમાં આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
  • 1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોળ બનાવવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે.
  • દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશે.
  • એક લાખ અધૂરાં મકાનો પૂર્ણ કરવામાં આવશે, 2025માં 40 હજાર નવાં મકાનો સોંપવામાં આવશે.

વૃદ્ધો માટે જાહેરાત

  • વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી.
  • 36 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી દૂર કરી.
  • 6 જીવનરક્ષક દવા પર કસ્ટમ ડ્યૂટી 5% ઘટાડી.
  • તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે.
  • 13 દર્દી સહાય કાર્યક્રમ મૂળભૂત કસ્ટમ ડ્યૂટીની બહાર.
  • દેશમાં 200 ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે.

વેપારીઓ માટે જાહેરાત

  • MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે.
  • સોશિયલ વેલ્ફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ.
  • 7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે. હવે દેશમાં ફક્ત 8 ટેરિફ દર જ રહેશે.
  • ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ટિયર-2 શહેરોમાં બનાવવામાં આવશે.
  • બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજીની સ્થાપના કરાશે.
  • સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 લાખ રૂપિયાની મર્યાદાવાળા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.
  • પ્રથમ વર્ષમાં 10 લાખ કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જારી કરાશે.
  • શહેરી શેરી વિક્રેતાઓ માટે પીએમ સ્વાનિધિ યોજનાની લોન મર્યાદા વધીને 30 હજાર રૂપિયા થશે.
  • દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવાશે.
  • નવી લેધર યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે.

ખેડૂતો માટે જાહેરાત

  • કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • દેશમાં પીએમ ધન-ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લાને લાભ મળશે.
  • ગ્રામીણ યોજનાઓમાં પોસ્ટ પેમેન્ટ બેંક ચુકવણી સેવાનો વિસ્તાર કરવામાં આવશે.
  • બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
  • આસામના નામરૂપમાં એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
  • ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન.
  • દરિયાઈ ઉત્પાદનો સસ્તાં થશે, કસ્ટમ ડ્યૂટી 30%થી ઘટાડીને 5% કરવામાં આવશે.
  • આંદામાન, નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • પશ્ચિમ કોસી નહેર પ્રોજેક્ટ મિથિલા ક્ષેત્રમાં શરૂ થશે. 50 હજાર હેક્ટર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે.
  • કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન.
  • કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્યયોજના. ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો.

કેન્સરની દવાઓ સસ્તી થશે

સરકારે બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી હતી. આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. આવાં 200 કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં જ બનાવવામાં આવશે.

36 જીવનરક્ષક દવાઓ, ઈલેક્ટ્રોનિક સામાન અને મોબાઈલ સસ્તા થયા

આ વખતે બજેટમાં સરકારે 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી દૂર કરી છે. આ ઉપરાંત લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ પરની ડ્યૂટી દૂર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આનાથી જીવનરક્ષક દવાઓ અને બેટરી સસ્તી થશે. એ જ સમયે સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યૂટી 10%થી વધારીને 20% કરી છે, જેના કારણે એ મોંઘી થશે.