ChatGPT, Gemini, DeepSeek બાદ હવે ભારત પણ ટૂંક સમયમાં પોતાનું AI મોડેલ લોન્ચ કરશે

indiaAI

10,373 કરોડના ખર્ચે બનશે India AI, 10 મહિનામાં લોન્ચ થશેઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ ટૂંક સમયમાં પોતાનું AI મોડલ લોન્ચ કરી રહ્યું છે. આગામી 10 માસમાં ભારતનું સ્વદેશી જનરેટિવ AI મોડલ ઉપલબ્ધ થવાની સંભાવના છે. આ આઈ મોડલ ChatGPT, Gemini અને DeepSeek જેવા પોપ્યુલર એઆઈ મોડલને પડકાર આપશે.

AIની આ રેસમાં હવે ભારત પણ પાછળ નહીં
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દેશની AI મહત્વાકાંક્ષાઓની રૂપરેખા આપતા કહ્યું કે ઓપનએઆઈ(OpenAI )ના ચેટજીપીટી (ChatGPT ) અને ચીનના ડીપસીક(DeepSeek ) બાદ AIની આ રેસમાં હવે ભારત પણ પાછળ નહીં રહે. ભારત હવે પોતાનું AI મોડલ તૈયાર કરી રહ્યું છે. ભારત આગામી મહિનાઓમાં પોતાનું બેઝલાઇન મોડેલ વિકસાવશે. તેમણે કોમન કમ્પ્યુટિંગ ફેસિલિટી હેઠળ ૧૮,૬૯૩ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs) ની યાદીની જાહેરાત કરી.

PM નરેન્દ્ર મોદીનુ વિઝન
PM નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મોર્ડન ટેક્નોલોજી દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આથી હવે ભારત પણ AI પાછળ કામ કરી રહ્યું છે જેથી આ ટેક્નોલોજીનો ઉપયોગ દેશની દરેક વ્યક્તિ કરી શકે. આ સાથે જ પ્રાઇવસીને લગતાં તમામ બાબતોનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક બાબતોનું એમાં ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવશે. ભારતને વૈશ્વિક AI હબ બનાવવાનું વચન આપતી અનેક જાહેરાતો કરતા વૈષ્ણવે એમ પણ કહ્યું કે એક AI સલામતી સંસ્થા શરૂ કરવામાં આવશે.

દેશની આર્થિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી
ભારત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ છે AI મોડલ અને એ માટે કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશની આર્થિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ લાર્જ લેન્ગવેજ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે ઓડિશામાં AI મોડલ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટર દ્વારા AI માટેની જે જરૂરીયાતો છે એ તમામ પૂરી કરવામાં આવશે.

સ્વદેશી AI મિશન માટે 10 કંપનીઓને શોર્ટલિસ્ટ કરી
સરકારે સ્વદેશી AI મિશન માટે 10 કંપનીઓને શોર્ટલિસ્ટ કરી છે. તેમાં રિલાયન્સ જિયો, ટાટા કોમ્યુનિકેશન, ઓરિએન્ટ ટેક, અને યોટ્ટા કોમ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા અન્ય કંપનીઓ પાસેથી પણ ફાઉન્ડેશનલ મોડલ માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. ઈન્ડિવિઝ્યુઅલ ડેવલપર્સ પાસેથી પણ અરજી મંગાવાઈ છે.

ભારતના AI મિશનને વર્ષ 2024માં મંજૂરી આપવામાં આવી હતી
ભારત પોતાના India AI Mission હેઠળ ટેક્નોલોજી સાથે હેલ્થ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર અને અન્ય ક્ષેત્રોમાં પણ એઆઈનો ઉપયોગ કરશે. ભારતના AI મિશનને વર્ષ 2024માં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અને આ પ્રોજેક્ટ માટે 10,372.92 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ અને રિસર્ચ કમ્યુનિટીનો પણ વિકાસ કરવા માટે આ AI મોડલનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપને પણ એક નવો વેગ મળી શકે અને દરેક ક્ષેત્રના લોકો એક સાથે આગળ વધે તેમજ એના કારણે દેશનો પણ વિકાસ થાય એ ધ્યેય સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં AI આવવાથી કામ ખૂબ જ સરળ, ઝડપી અને ચોક્કસ થશે. એની સીધી અસર દેશના વિકાસ પર પડશે.

India AI એક લાર્જ લેન્ગવેજ મોડલ
India AI એક લાર્જ લેન્ગવેજ મોડલ છે. આ મોડલ ચોક્કસ ક્ષેત્રના પ્રોબ્લેમને ખૂબ જ સારી રીતે ઉકેલશે, તેમજ જરૂરી તમામ સવાલોના જવાબ પણ ખૂબ જ સારી રીતે આપશે. આ દ્વારા India AI ડેટાસેટ્સ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. રિસર્ચ અને સ્ટાર્ટઅપ માટે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આ ડેટાબેઝમાં કોઈ પર્સનલ માહિતી નહીં જોવા મળે. જોકે એમ છતાં કોઈ પણ બિઝનેસ માટે જરૂરી માહિતી મેળવવા માટેના તમામ ડેટા સરળતાથી મળી રહેશે. આ પ્લેટફોર્મની મદદથી ભારતની તમામ કંપનીઓને વધુ ઇનોવેટિવ અને એડવાન્સ થવા માટે પ્રોત્સાહન મળશે, તેમજ નાના-નાના બિઝનેસ પણ તેમના માટે એપ્લિકેશન બનાવી શકશે.

દરેક ભાષાનો સમાવેશ કરવામાં આવશે
સરકાર આ માટે India AIમાં દરેક ભાષાનો સપોર્ટ કરશે. આ માટે ફાઉન્ડેશન મોડલ પણ તૈયાર કરવામાં આવશે. આ મોડલ એટલા માટે બનાવવામાં આવી રહ્યું છે કે તેમાં ભારતની તમામ ભાષાનો સમાવેશ થાય, તેમજ એ ભાષા માટેના તમામ ડેટા પણ ઉપલબ્ધ થાય. આ સાથે એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ભાષા સાથે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ નહીં રાખવામાં આવે.

13 કંપનીઓ સાથે મુલાકાત
આ મહિનાની શરૂઆતમાં જ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ 13 કંપનીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરેક કંપનીએ IndiaAI માટે જરૂરી સાધનો પૂરા પાડવા માટે અરજી કરી હતી. આ મિશનને હકીકત બનાવવા માટે પેનલમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઓફિશિયલસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને કેટલાક IITના એક્સપર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેનલ નક્કી કરશે કે IndiaAIની જવાબદારી કોને સોંપવી અને કોણ આ મિશનને આગળ વધારી શકે છે.