ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી આના પર કાર્યવાહી વધુ તીવ્ર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ કહે છે કે યુએસ એજન્સીઓએ 538 લોકોની ધરપકડ કરી છે. આમાંથી સેંકડો લોકોને બહાર પણ મોકલી દેવામાં આવ્યા છે.તેમને લશ્કરી વિમાનમાં બેસાડીને બહાર મોકલી દેવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે છેલ્લા 4 વર્ષમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનુ પૂર આવ્યુ છે. આ લોકોને બહાર કાઢવાની જરૂર છે જેથી અમેરિકન સંસાધનોનો ઉપયોગ અહીંના લોકો માટે થઈ શકે. આપને જણાવી દઈએ કે 23 જાન્યુઆરીએ, યુએસ કોંગ્રેસે લેકન રિલે એક્ટને મંજૂરી આપી છે, જે નક્કી કરે છે કે ખોટા દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા જોઈએ.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘લાખો ઇમિગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે સરહદમાં પ્રવેશ્યા છે. આ લોકો સીધા ફ્લાઇટ દ્વારા આવ્યા છે અથવા કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા આવ્યા છે. હવે તેઓ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ બધું અમેરિકાના કાયદાઓનું ઉલ્લંઘન કરીને થયું છે.’
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી માટે ખતરો બની ગયા છે. આ ઉપરાંત, તેમના દ્વારા કરવામાં આવેલા ગુનાઓનો ભોગ નિર્દોષ અમેરિકનો બની રહ્યા છે.’
આ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન છે, જેના હેઠળ લોકોને મોટા પાયે બહાર કાઢવામાં આવશે. અમે એક વચન આપ્યું હતું અને હવે તે પૂર્ણ થઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસે પણ આ અંગે ટ્વિટ કર્યું છે અને સમગ્ર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી.