ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધનઃ અંતિમ યાત્રા 28 ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યે શરૂ થશે, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

manmohansingh

પાર્થિવ દેહને શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાનથી AICC મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં સવારે 8:30 થી 9:30 સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. તેઓ 92 વર્ષના હતા. મનમોહન લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની પ્રેસ રિલિફ અનુસાર, તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 

ડૉ. સિંહની અંતિમ યાત્રા 28 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના મુખ્યાલયથી શરૂ થશે. આ માહિતી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આપી હતી. વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે ડૉ. સિંહના પાર્થિવ દેહને શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાનથી AICC મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સવારે 8:30 થી 9:30 સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે.

ડો. મનમોહન સિંહને સાંજે 5.30 વાગ્યે પાર્ટી હેડક્વાર્ટરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ખાસ કરીને આમંત્રિત સદસ્યો પણ સામેલ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. અહીં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. દિલ્હીનાં સીએમ આતિશી તેમજ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય કોંગ્રેસના નેતાઓ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ મનમોહન સિંહના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. તેમણે તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સંયુક્ત નિવેદનમાં તેઓએ કહ્યું કે, તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા અને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા. તેઓ પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા. તેમના યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મનમોહન સિંહની વિદાય મહાન દેશ માટે અને વ્યક્તિગત રીતે મારા માટે ખોટ છે. હું તેમને વર્ષોથી ઓળખતો હતો. હું તેમને રાષ્ટ્રપતિ ભવનમાં મળતો હતો. તેઓ સૌમ્યતાનું પ્રતીક હતા. તેઓ ભારતીય અર્થતંત્રના આધુનિક આર્કિટેક્ટ હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી, આતિશી, કેજરીવાલ, રાજનાથ સિંહ, સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, અશ્વિની વૈષ્ણવ, માયાવતી, યોગી આદિત્યનાથ, હેમંત સોરેન, પિનારાઈ વિજયન, નવીન પટનાયક, અજિત પવાર, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, શરદ પવાર, સુખબીર બાદલ, જયરામ રમેશ, સચિન પાયલટ, પી ચિદંબરમ, તેજસ્વી યાદવ,  નીતિશ કુમાર સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.