મોબાઈલ યુઝર્સ સાથે ઓનલાઈન ફ્રોડ કરનારાઓ મોટાભાગે ડિવાઈસ એક્સેસ મેળવવા માટે ખોટા OTPનો ઉપયોગ કરે છે. આવા ખોટા OTPથી લોકોને બચાવવા માટે TRAIએ છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યાં છે. છેતરપિંડીયુક્ત કોલ અને મેસેજીંગનો સામનો કરવા સાથે જ ગ્રાહકોની વધુ સુરક્ષા માટે આ પગલુ ભરવામાં આવી રહ્યું છે.
OTP અંગે ટ્રાઈએ કરી સ્પષ્ટતા
1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરવામાં આવતા OTP મોડો આવવાના સમાચારને લઈને લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Trai) તરફથી સ્પષ્ટતા આવી છે કે ટેલિકોમ સર્વિસ યુઝર્સને OTP મળવામાં કોઈ જ વિલંબ થશે નહીં.
ટ્રાઈના મેસેજ ટ્રેસેબિલિટી રેગ્યુલેશન પ્રમાણે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા મેસેજ ટ્રેસેબલ હશે જેથી ફિશિંગ અને સ્પેમ માટે મેસેજીંગ સિસ્ટમનો દુરુપયોગને અટકાવી શકાય. નવા નિયમ પ્રમાણે મેસેજ સેન્ડરથી સિરીવર સુધી સંપૂર્ણપણે ટ્રેસેબલ હોવો જોઈએ.
આ અંગેના પગલાની જાહેરાત ગત ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી અને ટેલિકોમ કંપનીઓ આ ટ્રેસેબિલિટી પ્રક્રિયાને લાગૂ કરવા શરૂઆતમાં 31 ઓક્ટોબર સુધી સમય આપવામાં આવ્યો હતો. જોકે જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા અને BSNL જેવી મોટી કંપનીઓની માંગને ધ્યાનમાં રાખી આ સમય વધારીને 30 નવેમ્બર કરવામાં આવ્યો હતો. હવે ડેડલાઈન પૂરી થયા બાદ ટેલિકોમ ઓપરેટર્સે મેસેજ ટ્રેસિબિલિટીને લગતા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
TRAIએ આવું પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી OTP મેસેજ દ્વારા લોકોના ડિવાઈસ સુધી પહોંચે છે અને તેનાથી લોકોને મોટું નુકસાન થાય છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓ પર આનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે.