આપણે કોંગ્રેસનાં ષડયંત્રનો ભોગ બનવાનુ નથી, આપણે એકજૂટ થઈને રહેવું પડશેઃ પીએમ મોદી

pm-modi-chimur

‘જો તમે એક નહીં રહો, તો તમારી એકતા તૂટશે, તો સૌથી પહેલા કોંગ્રેસ તમારી અનામત છીનવી લેશે.
મહારાષ્ટ્રની ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા, ‘જો આપણે એક(સાથે)રહીશું તો સુરક્ષિત રહીશું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના ચિમુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ કાશ્મીરમાં કલમ 370ને પાછી લાવવા અને લાગુ કરવા માટે ગૃહમાં પ્રસ્તાવ લાવ્યા છે. આ લોકો એ કામ કરી રહ્યા છે જે પાકિસ્તાન ઈચ્છે છે. તેમણે કહ્યું, ‘ચંદ્રપુરનો આ વિસ્તાર પણ દાયકાઓથી નક્સલવાદની આગનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ તમને માત્ર લોહિયાળ ખેલ જ આપ્યો છે. અમારી સરકારે નક્સલવાદ પર અંકુશ લગાવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું, “મહારાષ્ટ્રનો ઝડપી વિકાસ એ અઘાડી વાળા લોકોના હાથની વાત નથી. અઘાડી વાળા લોકોએ વિકાસને બ્રેક મારવામાં પીએચડી કરી છે. અઘાડીનો અર્થ થાય છે “ભ્રષ્ટાચારના સૌથી મોટા ખેલાડી”. તેમણે કહ્યું કે તમારી એકતા તૂટી જાય એ કોંગ્રેસનું સૌથી મોટુ ષડયંત્ર છે. આદિવાસી સમાજ જાતિઓમાં વહેંચાઈ જશે તો તેમની ઓળખ અને શક્તિ સમાપ્ત થઈ જશે. કોંગ્રેસનાં સહજાદાએ જાતે વિદેશમાં જઈને આ નિવેદન કર્યું છે. તેથી જ હું કહું છું કે આપણે કોંગ્રેસનાં આ ષડયંત્રનો ભોગ બનવાનુ નથી, આપણે એકજૂટ રહેવું પડશે. તેથી જ હું તમને વિનંતી કરું છું. આપણે સૌ એક(સાથે) રહીશું તો સુરક્ષિત રહીશું.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અનામત(આરક્ષણ) છીનવી લેશે
નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘જો તમે એક નહીં રહો, તો તમારી એકતા તૂટશે, તો સૌથી પહેલા કોંગ્રેસ તમારી અનામત છીનવી લેશે. કોંગ્રેસના રાજવી પરિવારની હંમેશા એવી માનસિકતા રહી છે કે તેઓ આ દેશ પર શાસન કરવા માટે જન્મ્યા છે. તેથી જ આઝાદી પછી કોંગ્રેસે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આગળ વધવા દીધા નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે આપણે આપણા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા પડશે. આજે અહીંના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે. મહાયુતિ સરકાર પણ નમો શેતકરી યોજનાનો બેવડો લાભ આપી રહી છે.

વડાપ્રધાને કહ્યું, ‘આજે હું તમને કોંગ્રેસ અને તેના સહયોગીઓના એક મોટા ષડયંત્ર વિશે પણ ચેતવણી આપી રહ્યો છું. આપણા દેશમાં આદિવાસી સમુદાયની વસ્તી લગભગ 10% છે. કોંગ્રેસ હવે આદિવાસી સમાજને જ્ઞાતિઓમાં વહેંચીને નબળો પાડવા માંગે છે. કોંગ્રેસ ઈચ્છે છે કે આપણા આદિવાસી ભાઈઓ એસટી તરીકેની તેમની ઓળખ ગુમાવે, તેઓએ તેમની તાકાત પર જે ઓળખ બનાવી છે તે વિખેરાઈ જાય.

લોકસભા ચૂંટણીમાં ઈન્ડી એલાયન્સ પાર્ટીઓએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો તેમને 400 સીટો મળશે તો તેઓ બંધારણમાં ફેરફાર કરશે અને વંચિતો માટે અનામત છીનવી લેશે. એવું માનવામાં આવે છે કે તેની અસર મહારાષ્ટ્ર અને યુપી જેવા રાજ્યોમાં જોવા મળી હતી અને ભાજપ અને તેના સહયોગીઓને બહુ ઓછી બેઠકો મળી હતી. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો વારો છે અને પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે આવું જ કાર્ડ રમ્યું છે. મંગળવારે મહારાષ્ટ્રના ચિમુરમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે જો તમે એક નહીં રહો તો કોંગ્રેસ અનામત છીનવી લેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારને હવે માત્ર એક સપ્તાહ જ બાકી છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની સક્રિયતા વધી છે અને ભાજપના રણનીતિકારોનું કહેવું છે કે એકતાના નારાની અસર પણ દેખાઈ રહી છે. આ દરમિયાન આરએસએસના કાર્યકરોને પણ સાથે લેવાના પ્રયાસો હાથ ધરાયા છે.