ઈઝરાયલે લેબનોન પર કરેલ હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહનું મોત, IDFનાં દાવા બાદ હિઝબુલ્લાએ પણ કરી પુષ્ટિ

nasarallah-killed

ઈઝરાયલે 2 મહિનામાં હિઝબુલ્લાહના સમગ્ર નેતૃત્વને ખતમ કરી દીધું
IDFએ કહ્યુંઃ હસન નસરલ્લાહ હવે દુનિયાને આતંકિત નહીં કરી શકે. તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.
નસરાલ્લાહના મોત બાદ ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને સલામત સ્થળે ખસેડાયા

ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDF દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે ‘હસન નસરલ્લાહ હવે દુનિયાને આતંકિત નહીં કરી શકે.’ તેમણે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે.

જેરુસલેમ પોસ્ટ અનુસાર, 27 સપ્ટેમ્બરના રોજ, IDF એ 80 ટનના બંકર બસ્ટર બોમ્બથી લેબનીઝ રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો હતો. ત્યારે નસરાલ્લાહ પણ અહીં હાજર હતો. આ હુમલામાં નસરલ્લાહ માર્યો ગયો છે. હિઝબુલ્લાએ પુષ્ટિ કરી છે કે તેના નેતા હસન નસરાલ્લા ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે આતંકી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ અને દક્ષિણ મોરચાના કમાન્ડર અલી કારચી સહિતના કમાન્ડરોને ઠાર કરી દીધા છે. ઇઝરાયલી ઇન્ટેલિજન્સ એજન્સીઓને મળેલી ગુપ્ત માહિતી બાદ અમારી એરફોર્સે લડાયક વિમાનો દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જે બૈરૂતમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં સ્થિત હતું.’

ઈઝરાયલની સેનાએ કહ્યું કે નસરાલ્લાહને મારવા માટે જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેને ‘ન્યૂ ઓર્ડર’ નામ આપવામાં આવ્યું હતું. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ અને IDF ચીફ ઓફ સ્ટાફ બેરૂત પરના હુમલા દરમિયાન કમાન્ડ સેન્ટરમાંથી ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએનમાં ભાષણ આપ્યા બાદ તેમના હોટલના રૂમમાંથી હિઝબુલ્લાહના મુખ્યાલય પર હુમલો કરવાની મંજૂરી આપી હતી. હુમલા બાદ ઈઝરાયલના પીએમ ઓફિસે નેતન્યાહુની એક તસવીર જાહેર કરી, જેમાં તેઓ લેન્ડલાઈન ફોનથી લેબનનમાં હુમલાનો આદેશ આપી રહ્યા છે.

ઇઝરાયલ મીડિયા હાઉસ ચેનલ 12 એ પણ તેની પુત્રી ઝૈનબના મૃત્યુનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિઝબુલ્લાહ ચીફની પુત્રીનો મૃતદેહ કમાન્ડ સેન્ટરના કાટમાળમાંથી મળી આવ્યો હતો જેના પર ઈઝરાયલ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે લેબનીઝ સત્તાવાળાઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

બીજી તરફ નસરાલ્લાહના મોત બાદ ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખામેનેઈએ કહ્યું, “તમામ મુસ્લિમોએ આ સમયે લેબનન અને હિઝબુલ્લાહની સાથે ઉભા રહેવાની જરૂર છે. તેઓએ સાથે આવીને દુષ્ટ ઈઝરાયલ સામે લડવું પડશે. આ ક્ષેત્રનું ભવિષ્ય હવે તેના પર નિર્ભર છે કે આપણે કેટલી બળપૂર્વક ઈઝરાયલને રોકી શકીએ છીએ. હિઝબુલ્લાહ આ અભિયાનમાં આપણી આગેવાની કરી રહ્યો છે.”

ઇઝરાયલના મીડિયાનો દાવો છે કે સેનાએ હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે બંકર બ્લાસ્ટર્સ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ વિસ્ફોટ કરતાં પહેલા જમીનમાં ઊંડે સુધી પહોંચે છે અને પછી વિસ્ફોટ થાય છે અને ભૂગર્ભ ટનલ અને બંકરોને ભારે નુકસાન પહોંચાડે છે.

ઇઝરાયલે લેબનન સરહદ પર વધારાની ટેન્ક અને સશસ્ત્ર વાહનો તહેનાત કર્યાં છે. નેતન્યાહુએ સેનાને લેબનનમાં સંભવિત ગ્રાઉન્ડ મિશન માટે તૈયાર રહેવા સૂચના આપી છે.

ઇઝરાયલે 2 મહિનામાં હિઝબુલ્લાહના સમગ્ર નેતૃત્વને ખતમ કરી દીધું છે. ઈઝરાયલે 30 જુલાઈના રોજ લેબનન પર હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના બીજા સૌથી વરિષ્ઠ નેતા ફુઆદ શુકરને મારી નાખ્યા હતા. તેના બીજા જ દિવસે 31 જુલાઈએ ઈરાન પર હુમલો કરવામાં આવ્યો અને હમાસ ચીફ ઈસ્માઈલ હનીયાહ પણ માર્યો ગયો. હવે હિઝબુલ્લાહના નેતૃત્વમાં કોઈ વરિષ્ઠ નેતા બાકી નથી. તે જ સમયે, ગાઝામાં હાજર હમાસના નેતૃત્વમાં ફક્ત યાહ્યા સિનવાર જ જીવિત છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, ‘અમારું યુદ્ધ આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે છે. અમે લેબેનોનના નાગરિકોની વિરુદ્ધ નથી. આતંકીઓ લેબેનોનના નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તમારા ઘરોમાં પણ હથિયારો હોય શકે છે માટે સ્થળાંતરીત કરી જવાની સલાહ આપવામાં આવે છે.’

ઈઝરાયલે બેરૂતના દહિયાહ શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ જગ્યાઓનો ઉપયોગ ઈઝરાયલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.

ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ નામના આતંકી સંગઠન પર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં આ હુમલાઓના કારણે મહાસત્તાઓ પણ ચિંતામાં મુકાઇ ગઈ છે.