અમદાવાદમાં ગરબા આયોજકોએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે, રાત્રે 12 સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમી શકાશે

અમદાવાદ: ઘણા દિવસોથી રાહ જોઈ રહેલા નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે ગરબા આયોજકો અમદાવાદમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવા જઈ રહ્યા છે. અમદાવાદ પોલીસે ગરબા પ્રેમીઓ માટે નવરાત્રી દરમિયાન સલામતીના ભાગરૂપે ગરબા આયોજકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં આયોજકોએ જરૂરી દસ્તાવેજો અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ગરબા આયોજકોને મંજૂરી મળશે. માર્ગદર્શિકા મુજબ, ગરબા આયોજકોએ ક્ષમતા કરતાં વધુ પાસ અથવા ટિકિટનું વિતરણ ન કરવું, તેમજ ફાયર સેફ્ટી, સીસીટીવી અને પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. જ્યાં પાર્કિંગ ગરબા સ્થળથી લગભગ 100 મીટરના અંતરે હોવું જોઈએ.

અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા

  • પાર્કિંગની જગ્યાઓ અને પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડની અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટિંગ લગાવવી. આ સિવાય દુકાનોમાં સીસીટીવી લગાવવાના રહેશે.
  • રોમિયોગીરી કરતા પકડાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • ગરબાના સ્થળોએ ભેગા થતા લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા કરવાની રહેશે.
  • આયોજકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના 200 મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે.
  • જો કોઈ શંકાસ્પદ વાહન દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.
  • ગરબા કાર્યક્રમના આયોજકોએ ઈલેક્ટ્રીકલ ફીટીંગની યોગ્યતા અને આગ સલામતી માટે જરૂરી વ્યવસ્થાઓ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • ગરબા સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા સ્વયંસેવકો/સુરક્ષા રક્ષકો દ્વારા કરવામાં આવશે અને ત્યાં શેરીમાં પાર્કિંગ ન હોવું જોઈએ.
  • ગરબા કાર્યક્રમના આયોજકોએ ખાનગી સિક્યોરિટી દ્વારા તોડફોડ વિરોધી ચેકિંગ હાથ ધરવાનું હોય છે.
  • કાર્યક્રમની ક્ષમતા કરતાં વધુ પાસ અથવા ટિકિટનું વિતરણ ન કરવું.

ગરબા આયોજકોએ ગરબામાં પાર્કિંગ અને ટ્રાફિક જાળવવુ સૌથી વધુ મહત્વનું છે. જેથી પોલીસે વધારે મહત્વ આપ્યું છે. તેમજ આયોજકોએ પાર્કિંગમાં ENTRY – EXIT પર કેમેરા લગાવવા જરૂરી છે અને ગરબા સ્થળ પર પુરૂષ – મહિલા સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરવા પડશે. ત્યારે ગરબા માટે રાત્રિના 12 વાગ્યા સુધી જ પરમિશન અપાઇ છે. તેની સાથે સાઉન્ડ મર્યાદામાં વગાડવાનો રહેશે. જેથી આસપાસના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે.

પોલીસ સ્ટેશન અથવા જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક)ના સ્તરેથી સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં આવે છે અને તેની સાથે લાઉડસ્પીકરની પરવાનગી માટેની અરજી અને તેની સાથે વ્યક્તિનું નામ, સરનામું અને ફોટો ઓળખ પત્ર ધ્વનિ પ્રદૂષણની જોગવાઈઓ (નિયમન અને નિયંત્રણ) નિયમો, 2000 કલમ 5(2)નું પાલન કરવાનું રહેશે.

ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-2000 ની કલમ 5(2) ની જોગવાઈઓ હેઠળ, 3 થી 11 ઑક્ટોબર સુધી, માઈક્રોફોન અને લાઉડસ્પીકરનો ઉપયોગ સ્થાનિક પરિસ્થિતિઓને આધિન માત્ર મધરાત 12 સુધી જ થઈ શકશે. કડક સૂચના આપતાં પોલીસે જણાવ્યું હતું કે, કોઈપણ સ્થળે રાસ-ગરબા કે કાર્યક્રમો દરમિયાન મધરાત 12 વાગ્યા પછી માઈક્રોફોન અને લાઉડસ્પીકર ચાલુ કરવા દેવામાં આવશે નહીં. આ સમય મર્યાદા બાદ કોઈપણ કાર્યક્રમમાં માઈક્રોફોન અને લાઉડ સ્પીકર કામ કરતા જોવા મળે તો સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટરને કાર્યક્રમના આયોજક અને સાઉન્ડ સિસ્ટમના માલિક સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.