અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સૂરતમાં પણ બે ઈંચ વરસાદ વરસ્યો

Rain

આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગરમાં અતિભારે, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા

ભારે બફારા અને ઉકળાટ બાદ આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ગરમી અને બફારો થયા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારામાંથી થોડી રાહત મળી હતી.

અમદાવાદમાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ વિસ્તારમાં નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, ગોમતીપુર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળજ પાસે બપોરે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

આ ઉપરાંત સુરતમાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી-પાણી થઈ ગયું છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયાં છે. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.

આવતીકાલે 26 સપ્ટેમ્બરે વલસાડમાં અતિભારે જ્યારે ભાવનગર, નવસારીમાં ભારેથી અતિભારે અને અમદાવાદ, વડોદરા, અમરેલી સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે. ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તે ધીમું પડી ગયું છે. પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય ઉપર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સામાન્ય કરતા 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ આ ગ્રાઉન્ડમાં વરસાદની ટકાવારી વધી શકે છે.