દહેગામના વાસણા સોગઠી પાસે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન 10 લોકો ડૂબ્યા, 5ના મોત

ganesh-visarjan

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે આવેલ મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે 10 લોકો ડૂબી ગયા હતા. ગણેશ વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસતા તેને બચાવવા જતા એક પછી એક એમ 10 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા ઉપરાંત પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને નદીમાં ડૂબી ગયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી દુર્ઘટના છે જેમાં કુલ 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે. છેલ્લા બે દિવસ અગાઉ પાટણ જિલ્લામાંથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણપતિ વિસર્જન માટે સરસ્વતી નદીએ ગયા હતા. જ્યાં એક પછી એક પરિવારના 7 સભ્યો ડૂબી ગયા હતા. જે પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 4ના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જ્યારે જૂનાગઢમાં 1 યુવકનું મોત નિપજ્યું હતું.