રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

bajrang-phogat-congress

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં બંને રેસલર્સ કુસ્તીના અખાડામાંથી રાજકીય મેદાનમાં

રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ અને બજરંગ હવે કુસ્તીના અખાડામાંથી રાજકીય મેદાનમાં જોવા મળશે. બંને રેસલર્સ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાયા છે.

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે તેમની રાજકીય સફર શરૂ કરી દીધી છે. રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પાર્ટીમાં સામેલ થવા માટે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ, પવન ખેડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદયભાન અને હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયા પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ બંને કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને પાર્ટીમાં સામેલ થયા.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું છે કે ‘દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારા આપણા પ્રતિભાશાળી ચેમ્પિયન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા. અમને બંને પણ ગર્વ છે.’

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે (6 સપ્ટેમ્બર) મલ્લિકાર્જુન ખડગેને મળ્યા પહેલા જ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટે કહ્યું કે, તે અપેક્ષા પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસે અમારા આંસુને સમજ્યા છે. ખરાબ સમયમાં ખબર પડે છે કે તમારું કોણ હતું. દેશના લોકોની સેવા કરવાનો આ અવસર છે. નવી ઇનિંગ શરૂ કરવી મારા માટે ગર્વની વાત છે.

બજરંગ પુનિયાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસ અને દેશને મજબૂત કરશે. ભાજપ અમારી સાથે ઉભો રહ્યો નથી. કોંગ્રેસમાં આવવાની ટીકા થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા વિનેશ ફોગાટે રેલવેમાંથી રાજીનામું આપી દીધું છે.

હરિયાણાની 90 સીટ પર એક જ તબક્કામાં 5 ઓક્ટોમબરના રોજ મતદાન યોજાશે. ત્યારબાદ 8 ઓક્ટોમ્બરના રોજ રિઝલ્ટ જાહેર થશે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યની 90માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ સુધી એક પણ યાદી બહાર પાડવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ફોગાટ અને પુનિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. જો કે, હજુ સુધી પાર્ટી દ્વારા બંનેની ટિકિટને લઈને કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.