ઝડપાયેલા ચારેય આતંકીઓ શ્રીલંકાના હોવાનુ બહાર આવ્યું, સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે
ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીને ઝડપી લીધા છે. ઝડપાયેલા ચારેય આતંકવાદી શ્રીલંકાના હોવાનું જાણવા મળેલ છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, સેન્ટ્રલ એજન્સી તરફથી ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યા હતા. જેના પગલે એરપોર્ટ પર એટીએસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૂળ શ્રીલંકન નાગરિક એવા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આ ચાર શખ્સોનું ગુજરાતમાં કે અન્ય કોઇ રાજ્યમાં કનેક્શન છેકે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
ગુજરાત ATSએ માહિતી મળતા જ ગઈકાલે રાત્રે 8 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATS દ્વારા આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શનની પણ તપાસ થઈ રહી છે. ગુજરાત તેમજ ભારતમાં કોઈ મુવમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત ATS દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમની સાથે રહેલા મોબાઈલ તેમજ પાસપોર્ટની પણ માહિતી ચેક કરવામાં આવી છે. પકડાયેલા આંતકીઓનું ISIS સાથે કનેકશન સામે આવ્યું છે.
https://x.com/ANI/status/1792504443382210829
ઝડપાયેલ આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા. જો કે આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તે હજુ સુધી જાણવા મળેલ નથી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડ સહિતની વસ્તુઓના સ્મગ્લિંગને લઇને સેન્ટ્રલ એજન્સી પર સઘન વોચ રાખવામાં આવી હતી. એ દરમિયાન એક સેન્ટ્રલ એજન્સી દ્વારા ગુજરાત એટીએસ સાથે કેટલાક ઇનપુટ શેર કરવામાં આવ્યા હતા. જેના પગલે એટીએસની ટીમ દ્વારા એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન એક શકમંદ નજરે પડતા તેની સઘન પૂછપરછ કરાઈ હતી અને કુલ ચાર શખ્સોના નામ સામે આવ્યા હતા. ઝડપાયેલા ચારેય શખ્સો આઇએસઆઇએસના છે અને ઘણા સમયથી આ આતંકવાદી સંગઠનમાં સક્રિય હતા.