ભાજપના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની શકે
અમિત શાહે તેલંગાણામાં 10 થી વધુ બેઠકો જીતવાનો કર્યો દાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણાના પ્રવાસે છે. શનિવારે તેમણે પહેલા એક રેલીને સંબોધિત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે’ વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો. કેજરીવાલના આરોપો પર અમિત શાહે પલટવાર કર્યો હતો અને કહ્યું હતુ કે તેલંગાણામાં 10 થી વધુ બેઠકો જીતીશું આ સાથે BJP 400 બેઠકો જીતી રહી હોવાનો દાવો કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે ત્રણ તબક્કામાં ભાજપના નેતૃત્વમાં NDAના તમામ સાથી પક્ષો 200 બેઠકના આંકડાની નજીક પહોંચી ગયા છે. ચોથા તબક્કામાં NDAને સૌથી વધારે સફળતા મળશે. શાહે કહ્યું કે NDAને સૌથી વધારે સફળ રહેશે. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં NDA ક્લિન સ્વીપ કરશે. જ્યારે 4 જૂનના રોજ પરિણામો આવશે ત્યારે દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ તથા કેરળમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરશે.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, ‘હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઈન્ડિ ગઠબંધનને કહેવા માંગુ છું કે, મોદીજી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી. ભાજપના બંધારણમાં એવું નથી લખ્યું કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની શકે. તેઓ ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.’
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે એક બાજુ UPA ગઠબંધન છે તો બીજી બાજુ NDA છે. એક બાજુ 12 લાખ કરોડના ગોટાળા કરનારી કોંગ્રેસ અને સહયોગી પક્ષો છે તો બીજી બાજુ PM મોદી 23 વર્ષથી દિવાળીની પણ રજા લીધા વગર સૈનિકો સાથે દેશની સરહદ પર તહેવાર ઉજવે છે. જ્યારે અન્ય નેતા ગરમી વધતા જ રજા માણવા વિદેશ જતા રહે છે. 20 વખત લોંચ કરવામાં આવ્યા બાદ પણ લોંચ થઈ શક્યા નથી. હવે 21મી વખત નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન અપાયા છે. તેમણે સુપ્રીમ કોર્ટની સામે પ્રાર્થના કરી હતી કે તેમની ધરપકડ ખોટી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે ન માન્યું. તેમને વચગાળાના જામીન માત્ર 1 જૂન સુધી અપાયા છે અને 2 જૂને તેમને એજન્સીઓની સામે આત્મસમર્પણ કરવું પડશે. જો અરવિંદ કેજરીવાલ તેને ક્લીન ચિટ માને છે તો કાયદા અંગે તેમની સમજણ નબળી છે.’
તિહાર જેલમાંથી બહાર આવીને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે (11 મે) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બર તેમનો છેલ્લો દિવસ છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે?’
આ ઉપરાંત કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ‘જો ભાજપની સરકાર બનશે તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગીને હટાવશે. ત્યારબાદ મોદીના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. મોદી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.’ બીજી તરફ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે, ‘આવતા વર્ષે તમે 75 વર્ષના થઈ જશો, તો શું તમે નિવૃત્ત થવા તૈયાર છો?’
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર લખ્યું કે- ‘કેજરીવાલ અને આખું ઈન્ડિ ગઠબંધન ચૂંટણીમાં નિષ્ફળતા અનુભવી રહ્યું છે. દેશને ભટકાવવા અને ભ્રમિત કરવાનો જ તેમનો ઉદ્દેશ્ય છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ તરફ મોદીજીને જનતાના પ્રચંડ આશીર્વાદ મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીજીની સામે ન તો તેમની પાસે કોઈ નીતિ છે અને ન કોઈ કાર્યક્રમ છે. હવે મોદીજીની ઉંમરનું બહાનું લઈને રસ્તો શોધી રહ્યા છે. ભાજપના બંધારણમાં ક્યાંય પણ ઉંમરને લઈને કોઈ વ્યવસ્થા નથી. જનતા જાણે છે મોદીજીના કણ-કણ અને ક્ષણ-ક્ષણ ભારત માતાની સેવા માટે સમર્પિત છે. મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થઈ રહી છે અને પોતાના આગામી 5 વર્ષના કાર્યકાળમાં મોદીજી દેશને નવા શિખર પર લઈ જશે.’