પીએમ મોદીએ નંદુરબારમાં સભા સંબોધતા કહ્યુંઃ દેશમાં ફરી એકવાર ભાજપ સરકાર બનશે
સંજય રાઉતે ગુરૂવારે પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી શું છે, અમે તો ઔરંગઝેબની પણ કબર ખોદી હતી. આના પર પીએમ મોદીએ કોઇનું પણ નામ લીધા વિના ઉદ્ધવ સેના અને કૉંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ‘આ લોકો કહે છે કે, મોદી તારી કબર ખોદાશે. તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે. તેઓ મોદીને જમીનમાં દાટવાના સપના જોઈ રહ્યા છે. તેમની રાજકીય જમીન ખસી ગઈ છે. તેઓ જાણતા નથી કે, દેશની માતાઓ અને બહેનો મોદીની સુરક્ષા કરશે.’ તેઓ મારી રક્ષક છે. હું માતૃશક્તિથી એટલો ધન્ય છું કે તેઓ ઈચ્છે તો પણ મોદીને મૃત્યુ પછી જમીનમાં દફનાવી નહીં શકે.
મહારાષ્ટ્રમાં કુલ 5 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેમાંથી 3 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ચોથા તબક્કા માટે 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા હતા. નંદુરબારમાં આજે વિશાળ રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અને શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ મરાઠી ભાષામાં લોકોનો આભાર માનીને ભાષણની શરૂઆત કરી હતી.
પીએમ મોદીએ અક્ષય તૃતીયા, અખા ત્રીજ અને પરશુરામ જયંતિની શુભકામનાઓ આપીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, ‘આજે અક્ષય તૃતીયા, અખા ત્રીજનો શુભ તહેવાર છે. હું તમામ દેશવાસીઓને અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈ-બહેનોને અક્ષય તૃતીયાની શુભકામનાઓ પાઠવું છું. આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે, આ શુભ દિવસે હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.
નંદુરબારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ સતત જુઠ્ઠાણા ફેલાવી રહી છે. અનામત મુદ્દે કોંગ્રેસની હાલત ખૂબ જ ઘોંઘાટીયા છે. ધર્મના આધારે અનામત આપીને કોંગ્રેસે બંધારણની પીઠમાં છરા મારવાનું પાપ કર્યું છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય આદિવાસીઓ અને પછાત વર્ગો પાસેથી અનામત છીનવીને લઘુમતીઓને આપવાનો છે. જે જ્યાં સુધી મોદી જીવીત છે ત્યાં સુધી શક્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડી અનામતનું મહાભક્ષણ કરવા મહાઅભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે મોદી SC-ST-OBCના અનામતને બચાવવા, મહારક્ષણ કરવા મહાયક્ષ કરાવી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જેમ મોટા પરિવારમાંથી આવ્યો નથી. હું તો ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે, તમે અહીં કેટલી તકલીફો વેઠી છે, તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો, ઘણા આદિવાસીઓ પાસે પાકુ મકાન ન હતું, આઝાદીના 60 વર્ષ વિતવા છતાં ગામડાઓમાં વીજળી પહોંચી નહતી.’
વડાપ્રધાને કહ્યું કે, ‘મોદીએ સંકલ્પ કર્યો હતો કે, તમામ ગરીબો-આદિવાસીઓને ઘર, તમામ આદિવાસીઓના ઘરમાં પાણી, તમામ પરિવારને પાણીની સુવિધા, તમામ ગામડાોમાં વીજળીની સુવિધા પુરી પડાશે. અમે પીએમ આવાસ યોજના હેઠળ નંદુરબાગના લગભગ 1.25 લાખ ગરીબોને પાક્કા મકાનો આપ્યા. અમે છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પાક્કા મકાનો આપ્યા છે અને અમે ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ ઘર આપીશું.’
પીએમ મોદીએ કહ્યું કે આજે ઘણા લોકો મને આશીર્વાદ આપવા અહીં આવ્યા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે દેશમાં ફરી એકવાર ભાજપ સરકાર બનશે. આ સાથે જ PMએ નંદુરબારની ચૌધરીની ચા પર પણ ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારની યોજનાઓનો ફાયદાઓ ગણાવતા કહ્યું કે, ‘NDA સરકારે ‘હર ઘર જળ’ યોજના હેઠળ મહારાષ્ટ્રના 20,000થી વધુ ગામડાઓમાં નળથી જળ પહોંચાડ્યું છે. આમાં નંદુરબારના 111 ગામડાઓ પણ સામેલ છે. હજુ તો આ ટ્રેલર છે, હજુ તો મોદીએ ઘણું બધુ કરવાનું છે અને તમારા માટે કરવાનું છે.’