માર્કશીટમાં મોટો છબરડોઃ ગણિતમાં 200માંથી 212 અને ગુજરાતીમાં 200માંથી 211 માર્ક મળ્યા

marksheet

દાહોદ જિલ્લાના ખરસાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કટારા વંશી મનીષભાઈની માર્કશીટમાં મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કટારા વંશી મનીષભાઈ પોતાનું રિઝલ્ટ લઈને ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ માર્કશીટ વાલીના હાથમાં આવતા માર્કશીટના નંબર જોઈને તેમના માતા-પિતાને ચોંકી ગયા હતા. માર્કશીટમાં બે વિષયમાં 200 ગુણમાંથી ગણિતમાં 212 અને ગુજરાતીમાં 211 ગુણ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે તરત જ શાળાએ જઈને આ બાબતે જણાવ્યું હતું. પોતાના તરફથી ભૂલ સમજાતા સ્કૂલ તરફથી પરિણામમાં સુધારો કરીને ફરીથી પરિણામ બનાવી આપ્યુ હતું. સુધારેલ માર્કશીટમાં તેને ગુજરાતીમાં 200માંથી 191 અને ગણિતમાં 190 માર્કસ મળ્યા છે.

આ અંગે શાળાના આચાર્ય માનસિંહ પારગીએ જણાવ્યું હતું કે, ‘પરીક્ષાનું રિજલ્ટ સાચું છે. પરંતુ કોમ્પ્યુટરમાં કોપી પેસ્ટમાં ભૂલ હતી. શિક્ષકે ભૂલ કરી છે, તે ફરી નહીં થાય. અમે આપેલી માર્કશીટ પાછી લઈ લીધી છે. વિદ્યાર્થીને નવું પરિણામ આપવામાં આવ્યું છે.’

જો કે નવી માર્કશીટ મળે તે પહેલાં જ જૂની માર્કશીટના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા હતા. માર્કશીટ વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી. શાળાની આ ભૂલ પર શિક્ષણ વિભાગે સત્તાવાર નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પરિણામ વાયરલ થયા બાદ પ્રિન્સિપાલના ધ્યાને આ બાબત આવી હતી. આ મામલાની તપાસ પૂર્ણ થયા બાદ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ સોંપવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, આ પરિણામ આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેને પ્રથમ વખત પરિણામ બનાવ્યું હોવાના કારણે ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું છે.