ગોંડલમાં 5 મે ના રોજ ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન યોજાશે, જયરાજસિંહ જૂથનુ શક્તિ પ્રદર્શન

jairajsingh-jadeja

જયરાજસિંહના પુત્ર ગણેશસિંહની અધ્યક્ષતામાં યોજાશે સંમેલન, વિવિધ ક્ષત્રિય સમાજના લોકો-આગેવાનો રહેશે હાજર

પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિયો દ્વારા ભાજપ અને રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સંમેલન યોજીને રુપાલાનો વિરોધ કરતા ભાજપને વોટ ના આપવા માટે કહી રહ્યા છે. ધર્મરથના માધ્યમથી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહની આગેવાનીમાં આવતી કાલે ભાજપ તરફી ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું છે.

પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે ગોંડલમાં સંમેલન યોજાશે. રૂપાલા અને ક્ષત્રિય વિવાદ વચ્ચે સૌપ્રથમ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ રૂપાલાની તરફેણમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન કર્યું હતું, ત્યારે હવે જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે.

ગોંડલમાં આવતીકાલે 5 મે ના રોજ ફરી એકવાર ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન યોજાશે. ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ,કારડીયા રાજપૂત,નાડોદા રાજપૂત,સોરઠીયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે. ગોંડલ ખાતે યોજાનાર આ ક્ષત્રિય સંમેલનથી ફરી એક વખત રાજકીય વાતાવરણ ગરમાયું છે.

બે દિવસ પહેલા પણ નર્મદામાં યોજાયુ ક્ષત્રિય સંમેલન જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઉલ અને મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યું હતું કે અમે 36 દિવસથી કહીએ છીએ અને પત્ર પણ લખ્યા છે, એટલે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 5 લાખની લીડ નહીં મળે, સમગ્ર ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે.

પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા બિલકુલ તૈયાર નથી.