કેજરીવાલને જેલમાં જ રહેવુ પડશે, સુપ્રિમ કોર્ટમાંથી પણ ના મળી રાહત, આગામી સુનાવણી 29મી એપ્રિલ સુધી મુલતવી

kejriwal-in-jail

સુપ્રિમકોર્ટે ઈડીને 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું
અરવિંદ કેજરીવાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે મુક્તિની માંગ કરી હતી

સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર જલદી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર ઈડીને નોટિસ જારી કરી 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ દાખલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 29 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.

સુપ્રીમકોર્ટમાં આજે કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને ઈડી વતી સોલિસિટર જનરલે દલીલો રજૂ કરી હતી. અરવિંદ કેજરીવાલ તરફથી કોર્ટમાં હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું કે ‘દિલ્હીના સીએમને પ્રચારથી વંચિત રાખવા માટે ધરપકડ કરવામાં આવી હતી.’ તેમજ ચૂંટણીને ટાંકીને શુક્રવારે સુનાવણીની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે કહ્યું કે આટલી ઝડપી સુનાવણી શક્ય નથી. કોર્ટે તેમને કહ્યું કે અમે તમને નજીકની તારીખ આપી શકીએ છીએ, પરંતુ તમારા દ્વારા સૂચવવામાં આવેલી તારીખ નહીં આપીએ. કોર્ટે કહ્યું કે અમે આ મહિનાના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરીશું.

સુપ્રિમ કોર્ટે ઈડીને 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. કેજરીવાલ 27 એપ્રિલ સુધીમાં કેન્દ્રીય તપાસ એજન્સીના જવાબ પર પોતાનો જવાબ દાખલ કરશે. નોંધનીય છે કે કેજરીવાલે ED દ્વારા તેમની ધરપકડ અને નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી કસ્ટડીને પડકારી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી.

બીજી બાજુ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આ આદેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો છે કે કેજરીવાલને 23 એપ્રિલે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવે.