સરકાર બદલાશે ત્યારે “લોકશાહીનું ચિરહરણ કરનારા” પર એવી કાર્યવાહી કરીશું કે ફરી આવુ કરવાની કોઈની હિમ્મત નહીં થાય

rahul-gandhi

કોંગ્રેસને આઈટી વિભાગની નોટિસ જાહેર કરાતા રાહુલ ગાંધીનું નિવેદન

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોંગ્રેસને 1823.08 કરોડ રૂપિયા ચૂકવવા માટે આજે નોટિસ મોકલવામાં આવી હતી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને IT વિભાગ દ્વારા નોટિસ જાહેર કરાતા રાહુલ ગાંધીએ સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ કરી હતી જેમાં રાહુલે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “જ્યારે સરકાર બદલાશે, ત્યારે “લોકશાહીનું ચિરહરણ કરનારા” ઉપર કાર્યવાહી જરુર કરાશે, અને એવી કાર્યવાહી થશે બીજી વાર ફરી કોઈની આવુ બધુ કરવાની હિમ્મત નહીં થાય, આ મારી ગેરેન્ટી છે”.

રાહુલ ગાંધીએ તેમનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “જો આ સંસ્થાએ પોતાનું કામ કર્યું હોત, જો CBIએ તેનું કામ કર્યું હોત, જો EDએ તેનું કામ કર્યું હોત, તો આવું ન થયું હોત.” તો તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે એક દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય, તેથી તેઓએ પણ વિચારવું જોઈએ.”

આ મુદ્દે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં કહ્યું હતું કે, આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતતાઓ માટે 1800 કરોડ રૂપિયા જમા કરાવવા માટે નોટિસ જારી કરી છે. કોંગ્રેસે ભાજપ પર ‘ટેક્સ ટેરરિઝ્મ’નો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસનાં મહાસચિવ જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘લોકસભા ચૂંટણી પહેલા ટેક્સ ટેરરિઝ્મ દ્વારા વિપક્ષ પર હુમલો કરાઈ રહ્યો છે. કોંગ્રેસને આર્થિક રીતે નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. કોંગ્રેસ આવકવેરા વિભાગની આ નોટિસ વિરૂદ્ધ વીકેન્ડ પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે.’

કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો કે જે માપદંડોના આધારે કોંગ્રેસને દંડની નોટિસ આપવામાં આવી છે, એજ આધારે ભાજપ પાસેથી 4600 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણીની માંગણી કરવી જોઈએ. પહેલા જ આવકવેરા વિભાગે અમારા બેંક એકાઉન્ટથી જબરદસ્તી 135 કરોડ રૂપિયા કાઢી લીધા છે.