પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂપિયા 2 લાખનો દંડ

sanjiv-bhatt

પાલનપુર કોર્ટે વર્ષ 1996ના NDPS કેસમાં દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો

બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસ.પી. અને પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. આજે પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા તેમજ તેમને સખ્ત સજા ફટકારતા 20 વર્ષની સજા અને 2 લાખ રુપયાનો દંડ ફટકાર્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

નોંધનીય છે કે સંજીવ ભટ્ટ વિરૂદ્ધ વર્ષ 1996માં કાવતરું રચીને રાજસ્થાનના વકીલને પાલનપુરની હોટલનાં રુમમાં ડ્રગ્સ મૂકીને ખોટા કેસમાં ફસાવવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સંજીવ ભટ્ટ સામે પાલનપુરની કોર્ટેમાં પાંચ વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં સંજીવ ભટ્ટ કાચા કામના કેદી તરીકે જેલ વાસ ભોગવી રહ્યા છે. ત્યારે આજે કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટે દ્વારા સજા ફટકારવામાં આવી હતી.

વર્ષ 1996માં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે પાલનપુરની એક હોટેલમાં રાજસ્થાનના વકીલનાં રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ મુકવાનું કાવતરુ રચ્યું હતું. જેના સાથે જ દુકાન ખાલી કરવાની ધમકી આપી વકીલને ફસાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2015માં સંજીવ ભટ્ટને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.

નોંધનીય છેકે, 30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. જે પછી છેક 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી.

કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા બાદ તેમના પત્ની શ્વેતા ભટ્ટે નિવેદન આપ્યું હતું કે આ કેસમાં તેમના પતિનો કોઈ રોલ નથી, ખોટી રીતે કેસ બનાવાયો છે. કેસમાં મિસકરેજ ઓફ જસ્ટિસ થયું હોવાનું જણાવ્યું હતું.