શેરબજારમાં જોરદાર કડાકો, સેન્સેક્સ 906 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,000 ની નીચે, રોકાણકારોના રુ 13 લાખ કરોડથી વધુ ડૂબ્યા

market crash

રિયલ્ટી, મીડિયા, પીએસયુ બેંક, ટેલિકોમ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, મેટલ્સ 5 ટકાથી વધુ ઘટ્યા

શેરબજારમાં આજે જોરદાર કડાકો થયો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસેસેન્સેક્સ 906 પોઈન્ટના ઘટાડા સાથે 72,761 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 338 પોઈન્ટ તૂટ્યો હતો. 21,997ના સ્તરે બંધ રહ્યો હતો. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 1046 પોઈન્ટ એટલે કે 1.42 ટકા તૂટીને 72621 સ્તરે પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ તૂટીને 21,947 પર વેપાર કરી રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં આજે તમામ સેક્ટરોમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 906.07 પોઈન્ટ અથવા 1.23 ટકા ઘટીને 72,761.89 પર અને નિફ્ટી 338.00 પોઈન્ટ અથવા 1.51 ટકા ઘટીને 21,997.70 પર હતો. સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 2,189 પોઈન્ટ (5.11%) ઘટીને 40,641 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ 1,646 પોઈન્ટ (4.20%) ઘટ્યો હતો. 37,591ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીની સૌથી મોટી ખોટમાં અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને NTPCનો સમાવેશ થાય છે, જ્યારે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, HCL ટેક્નોલોજીસ, કોટક મહિન્દ્રા બેન્ક અને ICICI બેન્કને ફાયદો થયો હતો. આઇટી સિવાયના તમામ ક્ષેત્રીય સૂચકાંકો રિયલ્ટી, મીડિયા, પીએસયુ બેન્ક, ટેલિકોમ, પાવર, ઓઇલ એન્ડ ગેસ અને મેટલ્સમાં 4-6 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં સમાપ્ત થયા હતા.

માર્કેટ ધરાશાઈ થવાનું કારણ
ગત દિવસોમાં SEBI ચીફે મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સેબી તેના પર બાજ નજર રાખી રહ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હેરાફેરીના સંકેત મળ્યા છે. એટલું જ નહીં SME IPOમાં પણ ગોટાળાના સંકેત જોવા મળ્યા છે. સેબી ચીફે રોકાણકારોને સતર્ક રહેવા કહ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારમાં સેન્ટીમેન્ટ બદલાયું, જેની અસર થતા માર્કેટમાં કડાકો થયો હતો. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે બાકીના ઈન્ડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.

રોકાણકારોનાં અંદાજિત 13 લાખ કરોડથી વધુ રૂપિયા ડુબ્યા
શેરબજારનું માર્કેટકેપ ગઈ કાલે રૂ. 385.64 લાખ કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 371.69 લાખ કરોડ થયું છે, એટલે કે માર્કેટકેપમાં રુ 14 લાખ કરોડનો ઘટાડો થયો છે. રોકાણકારોનાં મહિનાઓની કમાણી એક જ દિવસમાં સાફ થઈ ગઈ હતી.