પીએમ મોદીએ શ્રીનગરમાં રૂ. 6400 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાપ્રણ કર્યું, 1000 યુવાનોને જોબ લેટર આપવામાં આવ્યા

Modi-srinagar

આ એ નવું જમ્મુ અને કાશ્મીર છે જેની આપણે બધા ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતાઃ મોદી
કમળ સાથે તો જમ્મુ-કાશ્મીરના લોકોનો ગાઢ સંબંધ છે, 370ના નામ પર રાજનીતિક પરિવાર ફાયદો ઉઠાવતું હતું
જમ્મુ કાશ્મીરને લગ્ન માટેનું ડેસ્ટિનેશન બનાવવાનું છે, અહીં લોકો ત્રણ ચાર દિવસ જાન લઇને આવે અને લગ્ન કરે
જ્યાં પણ ફરવા જાવ ત્યાંથી કોઈ સ્થાનિક વસ્તુ ખરીદો, આમ કરવાની સ્થાનિકોની રોજગારીમાં વધારો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીનગરના પ્રવાસ પર છે. કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. શ્રીનગરના બક્સી સ્ટેડિયમમાં આયોજિત “વિકસિત ભારત, વિકસિત જમ્મુ-કાશ્મીર” કાર્યક્રમ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરને રૂપિયા 6,400 કરોડનાં વિકાસ કાર્યોની મોટી ભેટ આપી છે. આ અંતર્ગત તેમણે 53 વિકાસ યોજનાનો શિલાન્યાસ તથા ઉદઘાટન કર્યું છે. 1000 યુવાનોને જોબ લેટર પણ આપવામાં આવ્યા. તેમના દ્વારા શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા.

પીએમ મોદીએએ સમગ્ર કૃષિ વિકાસ કાર્યક્રમ હેઠળ રૂ. 6400 કરોડના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. દક્ષ કિસાન પોર્ટલ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 2.5 લાખ ખેડૂતોની સ્કિલ ડેવલપમેન્ટ થશે. આ ઉપરાંત લગભગ 2000 કિસાન ખિદમત ઘર પણ બનાવવામાં આવશે.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પીએમ મોદીનુ કાશ્મીરી શાલ ભેટ આપી સ્વાગત કર્યું હતું. મંચ પર પીએમ મોદી સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ, રાજ્યસભા સાંસદ ગુલામ અલી ખટાના પણ હાજર હતા. જનસભા પહેલા પીએમ મોદી શંકરાચાર્ય ટેકરી પર પહોંચ્યા હતા અને દૂરથી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ નવું જમ્મુ અને કાશ્મીર છે

શ્રીનગરનાં બખ્શી સ્ટેડિયમમાં જાહેર સભા યોજવામાં આવી હતી. સ્ટેડિયમમાં પીએમ મોદીને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ ‘મોદી-મોદી, હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું- ઘરતીના સ્વર્ગ પર આવવાનો અહેસાસ શબ્દોની બહાર છે. આજનુ જમ્મુ કાશ્મીર બદલાઇ રહ્યું છે. આ એ નવું જમ્મુ અને કાશ્મીર છે જેની આપણે બધા ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ તે જમ્મુ અને કાશ્મીર છે જેના માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું. તેની આંખોમાં ભવિષ્યની ચમક છે. પડકારોને પાર કરવાની હિંમત છે.

કમળ સાથે જમ્મુ-કાશ્મીરનો ગાઢ સંબંધ છે
જમ્મુ-કાશ્મીરમાં યુવાનોના વિકાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ- કાશ્મીરના તળાવોમાં કમળ ખીલેલા દેખાય છે. કમળ સાથે તો જમ્મુ-કાશ્મીરના લોકોનો ગાઢ સંબંધ છે. આજે જમ્મુ કાશ્મીર વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.

પ્રેમનું ઋણ ચૂકવવામાં મોદી કોઈ કસર છોડશે નહીં.
પીએમ મોદીએ કહ્યું- હું એટલો જ ખુશ છું જેટલો હું તમારા આટલી મોટી સંખ્યામાં આવવા બદલ આભારી છું. પ્રેમનું આ ઋણ ચૂકવવામાં મોદી કોઈ કસર છોડશે નહીં. હું 2014થી જે મહેનત કરી રહ્યો છું, હું તમારું દિલ જીતવાનો પ્રયત્ન કરું છું. હું જોઈ રહ્યો છું કે પ્રયત્નો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. આ છે મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી કરવાની ગેરંટી.

પરિવારવાદ અને 370ના નામ પર રાજનીતિક પરિવાર ફાયદો ઉઠાવતું હતુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ ​​કાશ્મીરી નાગરિકોને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક રાજકીય પરિવારો પહેલા 370ના નામે ફાયદો ઉઠાવતા હતા અને કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી હતી.

કાશ્મીરને ગુમરાહ કરવામાં આવ્યુ હતું. રાજકીય પરિવારના ફાયદા માટે જમ્મુ કાશ્મીરને બાંધીને રાખવામાં આવ્યુ હતું. પરંતુ આજે જમ્મુ કાશ્મીરમાં બધા જ લોકો માટે સમાન અધિકાર છે અને દરેકને સમાન અવસર મળી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરને લગ્ન માટેનું ડેસ્ટિનેશન બનાવવાનું છે

પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે 40થી વધુ સ્થળોને 2 વર્ષમાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવશે. આજે “દેખો અપના દેશ” અભિયાન શરૂ કરાયું છે. તેમણે “ચલો ઇન્ડિયા” અભિયાન અંગે વાત કરતા જણાવ્યું કે પ્રવાસી ભારતીયોને પણ ભારતમાં પ્રવાસ માટે આમંત્રિત કરીએ. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરને લગ્ન માટેનું ડેસ્ટિનેશન બનાવવાનું છે. લોકો ત્રણ ચાર દિવસ જાન લઇને આવે અને લગ્ન કરે.

જ્યાં ફરવા જાવ ત્યાંથી કોઈ સ્થાનિક વસ્તુ ખરીદો
વધુમાં તેમણે કહ્યું કે હું લોકોને કહું છું કે ફરવા જાવ તો મારું પણ એક કામ કરો. જ્યાં પણ ફરવા જાવ ત્યાંથી કંઇકને કંઇક સ્થાનિક વસ્તુ ખરીદો. તેમણે કહ્યું કે શ્રીનગર આવી મને એક વસ્તુ ગમી, મેં પણ ખરીદી. આમ કરવાની સ્થાનિકોની રોજગારીમાં વધારો થશે. જમ્મુ કાશ્મીરનું કેસર, ચેરી, સફરજન ખૂબ લોકપ્રિય છે.

‘ગયા વર્ષે 2 કરોડ પ્રવાસીઓ અહીં આવ્યા’
મોદીએ કહ્યું- જ્યારે ઈરાદા સારા હોય અને સંકલ્પ પૂરો કરવાનો જુસ્સો હોય તો પરિણામ પણ મળે છે. આખી દુનિયાએ જોયું કે કેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં G-20નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આજે તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. માત્ર 2023માં જ અહીં 2 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં અમરનાથ યાત્રામાં સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. વૈષ્ણો દેવીમાં સૌથી વધુ રેકોર્ડ સંખ્યામાં મુસાફરો આવ્યા. સ્ટાર્સ, સેલેબ્સ અને વિદેશી મહેમાનો ખીણોમાં ફરે છે. વીડિયો અને રીલ્સ બનાવે છે, જે વાયરલ થઈ રહ્યા છે.

શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ રાબિયા મુસ્તફાને નિમણૂક પત્ર સોંપ્યો. રાબિયાના પતિ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી આતંકી હુમલામાં શહીદ થયા હતા. પીએમ મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદીએ પુલવામાના રાજન સાથે વાત કરી હતી. કે જેઓ મધના ઉત્પાદન સાથે જોડાયેલા છે. તેમણે કેવી રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં સરકારી યોજનાનો ઉપયોગ કર્યો તે અંગે માહિતી આપી હતી

‘જમ્મુ-કાશ્મીર બેંક ડૂબવાની હતી, આજે તેનો નફો 1700 કરોડ રૂપિયા’
PMએ કહ્યું- જમ્મુ-કાશ્મીર પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો શિકાર રહ્યું છે. જે એન્ડ કે બેંકને તેમના સગા-ભત્રીજાઓથી ભરીને આ પરિવારના સભ્યોએ બેંકની કમર તોડી નાખી હતી. ગેરવહીવટના કારણે બેંકને એટલું નુકસાન થયું હતું કે તમારા બધાના હજારો કરોડ રૂપિયા ડુબવાનો ભય હતો. અમે બેંકને 1000 કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું. જે ડૂબતી બેંક હતી, આજે તેનો નફો 1700 કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે.

લોકો કહી રહ્યા છે – હું મોદીનો પરિવાર છું
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અગાઉની સરકારો દરમિયાન ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પ્રચલિત હતો. પરિવાર આધારિત લોકો મોદી પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે. પરંતુ દેશના ખૂણે ખૂણે લોકો કહી રહ્યા છે – હું મોદીનો પરિવાર છું. કાશ્મીરના લોકો પણ કહી રહ્યા છે – હું મોદીનો પરિવાર છું.

રેલી પહેલા મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકલ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં લોકલ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ પ્રદર્શનમાં હાજર વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમજ ખેડૂતો પાસેથી તેમના અનુભવો પણ જાણ્યા અને તેમના સૂચનો આપ્યા હતા.

PM મોદીની આ મહત્વપૂર્ણ 5 વાત જેણે વિશ્વમાં વગાડ્યો ડંકો

  • એક સમય હતો જ્યારે દેશમાં જે કાયદા લાગુ પડતા હતા તે કાશ્મીરમાં લાગુ નહોતા. સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણ યોજનાઓ લાગુ કરવામાં આવતી હતી પરંતુ જમ્મુ-કાશ્મીરના મારા ભાઈ-બહેનો તેનો લાભ લઈ શકતા ન હતા. હવે જુઓ કે જમાનો કેટલો બદલાયો છે. આજે, તમારા માટે તેમજ સમગ્ર ભારત માટે યોજનાઓ શ્રીનગરથી શરૂ થઈ છે.
  • આ એ નવું જમ્મુ અને કાશ્મીર છે જેની આપણે બધા ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ એ જ નવું જમ્મુ અને કાશ્મીર છે જેના માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ નવા જમ્મુ અને કાશ્મીરની આંખોમાં ભવિષ્ય ચમકી રહ્યું છે, આ નવા જમ્મુ અને કાશ્મીરમાં તેના ઈરાદાઓમાં પડકારોને પાર કરવાની હિંમત છે.
  • હું તમારા પ્રેમથી જેટલો ખુશ છું, તેટલો જ આભારી છું. પ્રેમનું આ ઋણ ચૂકવવામાં મોદી કોઈ કસર છોડશે નહીં. 2014 પછી જ્યારે પણ હું આવ્યો ત્યારે મેં કહ્યું કે હું તમારું દિલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યો છું. અને દિવસે દિવસે હું જોઈ રહ્યો છું કે હું તમારું દિલ જીતવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યો છું.
  • જમ્મુ અને કાશ્મીરમાં G20નું શાનદાર આયોજન કેવી રીતે થયું તે આખી દુનિયાએ જોયું. આજે અહીં જમ્મુ-કાશ્મીરમાં પર્યટનના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. માત્ર 2023માં જ અહીં 2 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા છે.પર્યટનની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં ખેતી અને કૃષિ ઉત્પાદનોની પણ તાકાત છે. જમ્મુ કાશ્મીરનું કેસર, સફરજન, અહીંના સૂકા ફળો, જમ્મુ કાશ્મીર ચેરી, જમ્મુ કાશ્મીર પોતાનામાં આટલી મોટી બ્રાન્ડ છે.
  • જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ-કાશ્મીર આજે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. પ્રતિબંધોમાંથી આ સ્વતંત્રતા કલમ 370 હટાવ્યા બાદ મળી છે. દાયકાઓથી રાજકીય લાભ માટે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ 370ના નામે જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોર્યા અને દેશને ગેરમાર્ગે દોર્યો. શું જમ્મુ અને કાશ્મીરને કલમ 370થી ફાયદો થયો કે પછી માત્ર અમુક રાજકીય પરિવારો જ તેનો લાભ લઈ રહ્યા હતા? જમ્મુ-કાશ્મીરની જનતાને સત્ય ખબર પડી ગઈ છે કે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.