FASTag, IMPS, NPS, પેટ્રોલ-ડીઝલ અને LPGની કિંમતો તેમજ પૈસા સંબંધિત નિયમોમાં ફેરફાર થયો અથવા બદલાઈ ગયા
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન મોદી સરકારનું છેલ્લું બજેટ ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું. તેમણે 58 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. આ વચગાળાનું બજેટ છે, કારણ કે એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. બજેટની સાથે સાથે બીજા ઘણા ફેરફારો થયા છે જે 1લી ફેબ્રુઆરીથી લાગુ થશે અથવા તો બદલાઈ જશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. આ ફેરફારોમાં FASTag KYC નિયમો, IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો નિયમો, પેટ્રોલ-ડીઝલ અને LPGની કિંમતો અને NPS ઉપાડ માટેના નવા નિયમોનો સમાવેશ થાય છે.
પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ
1 ફેબ્રુઆરીથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઓઈલ તેમજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. જેને લઈને સામાન્ય માણસના બજેટમાં વધઘટ થાય છે.
NPS આંશિક ઉપાડ નિયમો
પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જાન્યુઆરીમાં એક મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં તેણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ રોકાણ કરાયેલી રકમ ઉપાડવા માટેની માર્ગદર્શિકા જારી કરી હતી. નવા નિયમો 1 ફેબ્રુઆરી, 2024થી અમલમાં આવશે. નવા નિયમ મુજબ પેન્શન બોડીએ સ્પષ્ટતા કરી છે કે સબ્સ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે જ આંશિક ઉપાડ કરી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે NPS ખાતા ધારકો એમ્પ્લોયરના યોગદાનને બાદ કરતાં જમા રકમમાંથી માત્ર 25 ટકા જ ઉપાડી શકશે. આ માટે ખાતાધારકોએ સ્વ-ઘોષણા સાથે ઉપાડની વિનંતી સબમિટ કરવાની રહેશે.
IMPS (ઓનલાઈન ટ્રાન્ઝેક્શન) માટે નિયમ
આજથી એટલે કે 1 ફેબ્રુઆરી, 2024થી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટેના નિયમો બદલાશે. જે ફેરફાર મુજબ, IMPSથી પૈસા ટ્રાન્સફર માટે તમે લાભાર્થીના મોબાઈલ નંબર અને તેના બેંક ખાતામાં નોંધાયેલા નામ દ્વારા બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશો. NPCI અનુસાર હવે IFSC કોડ તેમજ બેનિફિશિયરી એડ કરવાની જરૂર રહેશે નહીં.
ફંડ કેવી રીતે ટ્રાન્સફર કરવું
- સૌ પ્રથમ તમારે IMPS વિકલ્પ પસંદ કરવો પડશે. આ એક નવી ફંડ ટ્રાન્સફર સુવિધા છે.
- આમાં તમારે મોબાઈલ નંબર અને લાભાર્થી બેંકનું નામ પસંદ કરવાનું રહેશે.
- આમાં તમારે IMPS નંબર દાખલ કરવાની જરૂર રહેશે નહીં.
- પછી તમારે જે ફંડ ટ્રાન્સફર કરવું છે તે રકમ પસંદ કરવી પડશે. તેની મર્યાદા 5 લાખ રૂપિયા છે.
- આ પછી તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારે OTP દાખલ કરવો પડશે.
FASTag eKYC માટે નિયમ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (NHAI) એ જાહેરાત કરી છે કે KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ થઈ જશે. 1 ફેબ્રુઆરીએ યુઝર્સે ખાતરી કરવી પડશે કે તેમના ફાસ્ટેગ માટે કેવાયસી ચાલુ છે કે પૂર્ણ થઈ ગયું છે. જો તમે KYC નથી કરતા, તો તમારે 1 ફેબ્રુઆરીથી ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
‘એક વાહન, એક FASTag’ અભિયાન બહુવિધ વાહનો માટે એક જ FASTag અથવા એક જ વાહન માટે બહુવિધ FASTag નો ઉપયોગ અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ 7 કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર 4 કરોડ જ સક્રિય દેખાય છે. વધુમાં, ત્યાં 1.2 કરોડ ડુપ્લિકેટ FASTags છે.
ધન લક્ષ્મી FD યોજના
પંજાબ એન્ડ સિંધ બેંક (PSB)નીસ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ (FD) ‘ધન લક્ષ્મી 444 દિવસ’ની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2024 હતી. બેંકે છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2023 થી વધારીને 31 જાન્યુઆરી, 2024 કરી હતી. આ FD ની મુદત 444 દિવસ અને વ્યાજ દર 7.4% હતો. પંજાબ અને સિંધ બેંક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરનારા રોકાણકારોએ નોંધ લેવી જોઈએ કે આ સ્કીમ 1 ફેબ્રુઆરી, 2024થી ઉપલબ્ધ રહેશે નહીં.
SBIની હોમલોન
આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં તેના ગ્રાહકોને હોમ લોન પર છૂટ આપી રહી છે. તે 65 bps જેટલા ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)
ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડનો છેલ્લો હપ્તા બહાર પાડશે. SGB 2023-24 સિરીઝ 4 12 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. જ્યારે અગાઉનો હપ્તો 18મી ડિસેમ્બરે ખૂલ્યો હતો અને 22મી ડિસેમ્બરે બંધ થયો હતો. આ હપ્તા માટે, સેન્ટ્રલ બેંકે સોનાની ઇશ્યૂ કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી.
ફેબ્રુઆરીમાં બેંકોમાં 11 દિવસ રજા રહેશે
આરબીઆઈએ રાષ્ટ્રીય સ્તરે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરી મહિનાના 29 દિવસોમાંથી 11 બેંકો બંધ રહેશે (બેંક હોલીડે 2024). આ સમયગાળા દરમિયાન આવી સ્થિતિમાં, તમારી બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. જોકે, ઓનલાઈન, UPI, મોબાઈલ બેંકિંગ અને ATM ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.