કેન્દ્ર સરકારની ચેતવણીઃ અખબારો, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર રામ મંદિરને લઇ ખોટી માહિતી પ્રકાશિત કરવી નહીં

fake-news

દિલ્હી પોલીસના સાયબર સેલ યુનિટને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ છે જેના કારણે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે, ઉશ્કેરણીજનક અને ભ્રામક સંદેશાઓ વાયરલ ન કરવા સૂચના

આગામી દિવસોમાં રામલલાના અભિષેકનો કાર્યક્રમ અયોધ્યામાં યોજાનાર છે અને ત્યારબાદ 4 દિવસ પછી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. તેવામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિવિધ સાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની ખોટી માહિતી ફરતી થઈ રહી છે. જે અંગ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે મીડિયા આઉટલેટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સંબંધિત ખોટી, છેડછાડ કરેલી અફવાને લોકોને ભરમાવામાં ન આવે તે અંગે ચેતવણી આપી છે.

અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. તેવામાં જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચે તેમજ દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે મંત્રાલયે એડવાઈઝરી જારી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય વતી જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર અમુક જુઠ્ઠાં, ભડકાઉ અને ફેક મેસેજ ફેલાવાઈ રહ્યા છે જે કોમી સદભાવના અને જાહેર વ્યવસ્થાને બગાડી શકે છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને ભ્રામક સંદેશાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ સંદેશાઓ સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. તો એજવાઈઝરીમાં અખબારો, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા પરના સમાચાર પ્રકાશકોને ખોટી અથવા હેરાફેરી કરી શકે તેવી કોઈપણ સામગ્રીને પ્રકાશિત અને પ્રસારિત કરવાથી દૂર રહેવા માટે કહે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આ બધાની વચ્ચે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉપરોક્ત માહિતી પ્રદર્શિત કે પ્રકાશિત ન કરવાની સલાહ આપીએ છીએ.

દિલ્હી પોલીસ ખાસ કરીને તે પોસ્ટ પર નજર રાખી રહી છે જે અયોધ્યા, રામ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમોને લઈને કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે કેટલાક અસામાજિક તત્વો દેશનું વાતાવરણ બગાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ શકે છે. તાજેતરમાં, મધ્યપ્રદેશના શાહજહાંપુરમાં અક્ષયયાત્રા પર પથ્થરમારો થયો હતો, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સિવાય દિલ્હી પોલીસ પણ કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે, જેથી કેન્દ્રીય એજન્સીઓ તરફથી મળેલા એલર્ટ અને ઇનપુટ્સ પર જમીની સ્તરે કામ કરી શકાય.

સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે દિલ્હી સાયબર સેલની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાસ્તવમાં, આગામી દિવસોમાં રામલલાના અભિષેકનો કાર્યક્રમ અયોધ્યામાં યોજાનાર છે અને ત્યારબાદ 4 દિવસ પછી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, કોઈપણ આતંકવાદી ષડયંત્રનો સામનો કરવા માટે શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ કોઈ અસામાજિક તત્વ દેશનું વાતાવરણ બગાડી ન શકે તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામમંદિરનું ઉદઘાટન પણ થઈ રહ્યું છે. આ મહોત્સવથી પહેલા વીઆઈપી ટિકિટ, રામમંદિર પ્રસાદ આપવાનો દાવો કરતાં અનેક ફેક લિંક સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે. ઈ-કોમર્સ કંપનીને પણ અયોધ્યા રામમંદિર પ્રસાદનું લિસ્ટિંગ હટાવવા માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટી દ્વારા નોટિસ મોકલાઈ હતી. 

થોડા દિવસ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તત્કાળ વીઆઈપી ટિકિટનો દાવો કરતો નકલી ક્યૂઆર કોડવાળો એક વોટ્સએપ મેસેજ વાયરલ થયો હતો. જેના પછી મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ માટે ટ્રસ્ટે જાતે જ પસંદગીના મહેમાનોને જ આમંત્રણ મોકલ્યા છે.