જાપાનના એરપોર્ટ પર કોરિયન એરલાઈન્સ અને કેથે પેસિફિક એરવેઝના વિમાનો અથડાયા

japan

2024ના વર્ષની આ ત્રીજી મોટી ઘટના સામે આવી, વિમાનમાં સવાર 289 પ્રવાસીઓને એરપોર્ટ પર થયા ‘જમ દર્શન’

જાપાનનાં ચિટોસ એરપોર્ટ પર કોરિયન એરલાઈન્સ અને કેથે પેસિફિક એરવેઝના વિમાનો અથડાયા છે. આ દુર્ઘટના જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઇડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર બની હતી. કોરિયન એરલાઈન્સના વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 289 મુસાફરો સવાર હતા. દક્ષિણ કોરિયા અને હોંગકોંગના પ્રવાસી વિમાન અથડાતાં બન્નેના પ્રવાસીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

કોરિયન એરલાઈન્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર જ્યારે એક ટોઈંગ કાર કોરિયન એરલાઈન્સના વિમાનને ટેક ઓફ કરતા પહેલા પાછળની તરફ ધકેલી રહ્યું હતું તે દરમિયાન જમીન પર પડેલા બરફના કારણે વિમાન લપસીને હોંગકોંગના વિમાન સાથે ટકરાયું હતું. જેના કારણે વિમાનનું પાંખિયું કેથે પેસિફિક એરવેઝના વિમનના પાંખિયા સાથે અથડાયું હતું. જોકે નુકશાનની કોઈ ખબર નથી પરંતુ ઘટનાએ પ્રવાસીઓમાં ભારે ડરની લાગણી ફેલાવી દીધી હતી. કેથે પેસિફિક એરવેઝના વિમાનમાં મુસાફરો હતા કે કેમ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

એક મુસાફરે ઘટનાની ગંભીરતા વર્ણવી અને કહ્યું, “મારા હાથ ધ્રુજતા હતા અને મારો પરિવાર એક શબ્દ પણ બોલી શકતો ન હતો, તેથી હું ખરેખર ડરી ગયો હતો. મને નથી લાગતું કે હું ફરી ક્યારેય વિમાનમાં બેસી શકીશ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાપાન એરલાઈન્સનું પેસેન્જર પ્લેન JAL 516 લેન્ડિંગ વખતે ત્યાં પાર્ક કરેલા જાપાન કોસ્ટગાર્ડના એક વિમાન સાથે ટકરાઈ ગયું હતું. આ ઘટના પછી બંને વિમાનોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કોસ્ટગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. કોસ્ટગાર્ડનું આ વિમાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા જઈ રહ્યું હતું.

2024ના વર્ષની આ ત્રીજી મોટી ઘટના સામે આવી છે. હજુ ગઈ કાલે પંખી ટકરાવાને કારણે પણ વિમાનમાં આગ લાગી હતી. પરંતુ 122 પ્રવાસીઓનાં જીવ બચી ગયા હતા.