‘હુમલાખોરને પાતાળથી પણ શોધી લાવીશું’, MV કેમ પ્લૂટો પર ડ્રોન એટેકને લઈને રાજનાથની ચેતવણી

RAJNATHSINGH

ભારત સરકારે અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં થયેલ હુમલાઓને ખૂબ ગંભીરતાથી લીધા છે

આરબ સાગરમાં ભારત આવી રહેલા માલવાહક જહાજ એમવી કેમ પ્લૂટો પર શનિવારે ડ્રોન હુમલો થયો હતો. આ જહાજ સાઉદી આરબના એક પોર્ટ પરથી ભારતના મેંગલોર જઈ રહ્યું હતું. આ હુમલો ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં થયો હતો.

જહાજ પર થયેલા ડ્રોન હુમલાને લઈને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે- ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમણે અમે સમુદ્ર તટમાંથી પણ શોધી કાઢીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મંગળવારે INS Imphalનો નૌકાદળમાં સમાવેશ કરવાનાં કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રીએ કહ્યું- આજકાલ દરિયામાં હલચલ કંઈક વધારે થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતને કારણે કેટલાંક લોકોને ઈર્ષા અને દ્વેષ થાય છે. આરબ સાગરમાં હાલમાં થયેલા એમવી કેમ પ્લૂટ પરના ડ્રોન હુમલા અને થોડા દિવસ પહેલા લાલ સાગરમાં એમવી સાઈ બાબ પર થયેલા હુમલાને ભારતે ઘણાં જ ગંભીરતાથી લીધા છે.

રાજનાથ સિંહે વધુમાં કહ્યું- ભારતીય નેવીએ સમુદ્રમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમણે અમે સાગરના તળિયેથી પણ શોધી કાઢીશું અને તેમના વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરીશું.

દરિયાઈ રસ્તાને સુરક્ષિત બનાવી રાખીશુંઃ રાજનાથ સિંહ
વધુમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે- ભારત આખા ઈન્ડિયન ઓશિયન રીઝન (IOR)માં નેટ સિક્યોરિટી પ્રોવાઈડરની ભૂમિકામાં છે. અમે સુનિશ્ચિત કરીશું કે આ વિસ્તારમાં થતા સમુદ્રી વેપાર આકાશની ઉંચાઈઓ સુધી પહોંચશે. જે માટે અમે મિત્ર દેશોની સાથે મળીને “સી લેન્સ”ને મેરીટાઈમ કોમર્સ માટે સેફ અને સિક્યોર બનાવી રાખીશું.

શનિવારે જહાજ ઉપર થયેલ ડ્રોન હુમલા માટે અમેરિકી રક્ષા વિભાગે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. CHEM પ્લૂટો નામના જહાજ પર લાઈબેરિયાઈ ઝંડો લાગેલો હતો જેના માલિકી હક જાપાનની કંપની પાસે છે અને તે નેધરલેન્ડથી સંચાલિત થાય છે.

આ હુમલાને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે અને તમામ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલી શંકા ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ પર છે. કેમકે એમવી કેમ પ્લૂટ જહાજ પર હુમલો એવા સમયે થયો જ્યારે હાલમાં જ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરથી જતા જહાજોને ટાર્ગેટ બનાવવાની ચેતવણી આપી હતી. હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં અનેક બિઝનેસ જહાજને પોતાના ટાર્ગેટ પણ બનાવ્યા હતા. જેના કારણે વેપારી જહાજનો રુટ બદલવા માટે મજબૂર થવું પડ્યું છે. હાલ ગત નવેમ્બરમાં જ હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં એક માલવાહક જહાજને હાઈજેક પણ કર્યું હતું.

નેવીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,”જહાજના આગમન પર, ભારતીય નૌકાદળની વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે હુમલાના પ્રકાર અને પ્રકૃતિનું પ્રારંભિક મૂલ્યાંકન કરવા માટે જહાજનું નિરીક્ષણ કર્યું,”. હુમલાના વિસ્તારનું નિરીક્ષણ અને જહાજ પરનો કાટમાળ જોવા મળે છે તે દર્શાવે છે કે તે ડ્રોન હુમલો હતો.જોકે, હુમલાના પ્રકાર અને ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોની માત્રા નક્કી કરવા ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણ જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલા પછી એન્ટી એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ટીમે જહાજનું વિશ્લેષણ પૂર્ણ કર્યું, વિવિધ એજન્સીઓએ સંયુક્ત તપાસ શરૂ કરી.