ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9નો ભોગ લેનાર તથ્ય પટેલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

gujarat-highcourt

તથ્યના મિત્રના નિવેદન જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતુંઃ સરકારી વકીલ
તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આજે આ અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ બન્ને પક્ષ તરફથી કરવામાં આવેલી દલીલો સાંભળ્યા બાદ તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. વારંવાર તથ્ય જેલમાંથી બહાર આવવા માટે વિવિધ પાસા અપવાની રહ્યો છે. ત્યારે આ વખતે પણ તેને ફટકાર મળી છે.

તથ્ય પટેલને આજે હાઇકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે. તથ્યની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી, જેમાં વકીલ જાલ ઉનવાલાએ દલીલો કરતાં કોર્ટને કહ્યું હતું કે રાત્રે 12.30 વાગ્યે રોડ ઉપર ટ્રાફિક હોય એવું માની ન શકાય, આ સંપૂર્ણ કેસ બેદરકારીનો છે. આ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નથી. તથ્ય પટેલના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, અકસ્માતની ઘટના બાદ તથ્ય સ્થળ પરથી ફરાર થયો ન હતો. તેને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે પોલીસને ફોન કર્યો હતો. અકસ્માતની ઘટનાથી તથ્ય જેલમાં છે. તથ્યની ઉમર અને તેના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લઇને તેને જામીન આપવા જોઇએ. ત્યારે સરકારી વકીલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તથ્યના મિત્રના નિવેદન જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતું. જોકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે કલાક સુધી બન્ને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટ દ્વારા તથ્ય પટેલે કરેલી જામીન અરજીને ફગાવી દીધી હતી. હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.

આપને જણાવી દઈએ કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ પહેલાં તથ્ય પટેલે બે અકસ્માત કર્યા હતા. જેમાં સાંતેજમાં ગાડીને મંદિર સાથે અથડાવી હતી. તો એસ.જી.હાઇવે ઉપર પણ થાર ગાડી વડે એક કાફેની દિવાલ તોડીને નાસી છૂટયો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસે કાફે વાળા અકસ્માતના CCTV ફૂટેજ શોધી નાખ્યા હતા. ત્યારબાદ પોલીસે તથ્ય સામે FIR દાખલ કરી હતી. ઇસ્કોન બ્રિજ અગાઉ કરેલા બંને અકસ્માત સંદર્ભે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે.