કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમિત શાહે આવકાર્યો

amitshah

સાબિત થયુ કે સરકારનો નિર્ણય સંપૂર્ણપણે ન્યાયી હતો: અમિત શાહ

જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હઠાવવાના નિર્ણયની કાયદાકીય યોગ્યતા પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019નો નિર્ણય યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ ભારતમાં જોડાતાની સાથે જ ખતમ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્ય સાથે સંબંધિત કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે આ નિર્ણય સાબિત કરે છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય ‘સંપૂર્ણપણે ન્યાયી’ હતો અને ‘બંધારણીય’ હતો.

અમિત શાહે ‘X’ પર એક પોસ્ટ કરી તેમાં લખ્યું હતું કે, “હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું, જેણે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે.” તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 નાબૂદ કરવાનો ‘દૂરદર્શી’ નિર્ણય લીધો હતો ત્યારથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પાછી આવી છે. પ્રગતિ અને વિકાસે ઘાટીમાં માનવ જીવનને નવો અર્થ આપ્યો છે. “પર્યટન અને કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિએ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના રહેવાસીઓની આવકના સ્તરમાં વધારો કર્યો છે.” તેમણે કહ્યું, “સુપ્રિમ કોર્ટના આજના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.”

ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય દ્વારા લેવામાં આવેલા કેન્દ્રના નિર્ણયને પડકારી શકાય નહીં. કલમ 370 એ યુદ્ધ જેવા કિસ્સામાં વચગાળાની જોગવાઈ હતી. જો આપણે તેના લખાણને જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે આ એક અસ્થાયી જોગવાઈ હતી.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી તેનો ઉપયોગ કરી શકાય તેવી શક્તિઓ પર નિયંત્રણો છે. ભારતમાં વિલીનીકરણ થયા બાદ જમ્મુ-કાશ્મીરને આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ 370(3) હેઠળ રાષ્ટ્રપતિને કલમ 370 નિષ્પ્રભાવી કરવાનો અધિકાર છે.

“આ વાત દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના એકીકરણની પ્રક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી અને તેથી આ નિર્ણયને રાષ્ટ્રપતિની સત્તાના દુરુપયોગ તરીકે ન જોઈ શકાય. તેથી, અમે રાષ્ટ્રપતિના નિર્ણયને કાયદેસર ઠેરવીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખતા સોમવારે કહ્યું હતું કે આવતા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે પગલાં લેવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ નિર્દેશ આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરવાના 5 ઓગસ્ટ, 2019ના નિર્ણયની માન્યતાને પણ સમર્થન આપ્યું હતું. આ દિવસે, કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી હતી અને અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “અમે નિર્દેશ આપીએ છીએ કે ભારતના ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવા જોઈએ.”