મોદી કેબિનેટ બેઠક દરમિયાન એક મોટો નિર્ણય લેતા 81 કરોડ લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવી છે
કેન્દ્રની મોદી સરકારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો દાવ રમ્યો છે. કેબિનેટની એક બેઠક દરમિયાન મોટો નિર્ણય લેતા 81 કરોડ લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવી છે. હકીકતમાં PM મોદીની અધ્યક્ષતામાં મંગળવારે 28 નવેમ્બરે મોડી સાંજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પ્રધાનમંત્રીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ માટે 1 જાન્યુઆરી, 2024થી લંબાવવાની મંજૂરી આપી હતી. જે અંગે આજે જાહેરાત કરવામાં આવી હતી.
આ યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવાના નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં લગભગ 13.50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે…પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 5 વર્ષ માટેની યોજના 81 કરોડ લોકોને તેનો લાભ મળશે. ભારત સરકાર આના ઉપર 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 દ્વારા 75% ગ્રામીણ વસ્તી અને 50% શહેરી વસ્તીને કવરેજ પ્રદાન કરવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તે સમાજના તમામ નબળા અને જરૂરિયાતમંદ વર્ગોને તેનો લાભ મળે તેની ખાતરી કરવા માટે તે 81.35 કરોડ વ્યક્તિઓ સુધી પહોંચે છે.