આઇટી વિભાગને 7 કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા, અનેક બેન્ક લોકર સીઝ કરાયા
દિવાળીનાં તહેવારો બાદ હવે ફરી આઈ ટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સૌથી મોટા ફટાકડાં વેપારી અંબિકા ક્રેકર્સને ત્યાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અંબિકા ક્રેકર્સના ગોડાઉન અને મોટી દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને સંચાલકોના ઘરે પણ દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 15 જેટલી ટીમો જોડાઈ છે. સર્ચ ઓપરેશન દરમિયાન આઈ ટી વિભાગને 7 કરોડની રોકડ રકમ અને દાગીની મળી આવ્યા છે. આ ઉપરાંત આઇટી વિભાગે ઘણા બેન્ક લોકર અને એકાઉન્ટ પર સીઝ કર્યા છે.
અંબિકા ક્રેકર્સના માલિકે ગુજરાતના અન્ય વેપારીઓ સાથે કરેલા વ્યવહારની વિગતો પણ આઇટી વિભાગને મળી હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા અંબિકા ક્રેકર્સ સાથે સંકળાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. દિવાળી દરમિયાન કરોડો રૂપિયાના ફટાકડાંનું વેચાણ અંબિકા ક્રેકર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. એવી પણ વિગતો છેકે હોલસેલર્સ પાસેથી એડવાન્સમાં ફટાકડાંનું પેમેન્ટ લેવામાં આવતું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આઇટી વિભાગને 7 કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા છે.