સિંગૂરની જમીનનો વિવાદ એટલો મોટો હતો કે ટાટા મોટર્સે પ્રોજેક્ટ બંધ કરવાની ફરજ પડી હતી. જે બાદ કંપની ગુજરાત આવી અને ટાટા નેનોના નિર્માણ માટે સાણંદમાં એક પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો.
પશ્ચિમ બંગાળનાં સિંગૂરમાં સિંગૂર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેના વળતર કેસમાં ટાટા મોટર્સની મોટી જીત થઈ છે. ટાટા મોટર્સ લિમિટેડે કહ્યું કે, સિંગૂર-નેનો પ્રોજેક્ટ કેસમાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલે કંપનીને વ્યાજ સહિત 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમને આદેશ આપ્યો છે. ટાટા મોટર્સ વળતર ઉપરાંત કાર્યવાહી ખર્ચના 1 કરોડ રૂપિયા પણ WBIDC પાસેથી વસુલશે.
ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળનાં સિંગૂરમાં ઓટોમોબાઈલ ઉત્પાદન શરૂ કરવા રોકાણ કર્યું હતું, જોકે તેમાં નુકસાન થતા WBIDC વળતરનો દાવો માંડ્યો હતો. WBIDC એ પશ્ચિમ બંગાળના ઉદ્યોગો, વાણિજ્ય અને એન્ટરપ્રાઈઝ વિભાગની મુખ્ય નોડલ એજન્સી છે. માહિતી મુજબ ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યૂનલે ટાટા મોટર્સના પક્ષમાં સર્વસંમતિથી નિર્ણય સંભળાવ્યો છે અને કંપની 765.8 કરોડ રૂપિયાની વસૂલી કરવા હક્કદાર હોવાનું જણાવ્યું છે. તેમાં 1લી સપ્ટેમ્બર 2016થી WBIDC પાસેથી વાસ્તવિક વસૂલાત સુધી વાર્ષિક 11 ટકાના દરે વ્યાજ પણ સામેલ છે. કંપનીએ સોમવારે એક એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. ટાટા કંપની વળતર ઉપરાંત કાર્યવાહી ખર્ચના 1 કરોડ રૂપિયા પણ વસુલ કરશે. નિવેદનમાં જણાવાયું છે કે, નિર્ણય બાદ આર્બિટ્રલ પ્રોસિડિંગ્સ એટલે કે મધ્યસ્થતા પેનલની કાર્યવાહી સમાપ્ત થઈ છે.
સિંગૂરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને મમતા બેનર્જી પહેલાની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. જે અંતર્ગત બંગાળની જમીન પર નેનો કારનું ઉત્પાદન માટે કારખાનું બનાવવાનું હતું. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતાં અને ડાબેરી સરકારની નીતિઓની વિરુદ્ધમાં હતાં. વિપક્ષમાં રહેતા મમતા બેનર્જીએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે વિરોધ જ મમતા બેનર્જી માટે સત્તાના દ્વાર ખોલી નાંખ્યા હતાં. ત્યારે મમતા બેનર્જી સત્તામાં આવતાં જ કાયદો બનાવીને સિંગૂરની લગભગ એક હજાર એકર જમીન તે 13 હજાર ખેડૂતોને પાછી આપવાનો નિર્ણય કર્યો જેનું અધિગ્રહણ કરાયું હતું.
વિપક્ષના નેતા મમાત બેનર્જીએ સિંગૂર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન વિરુદ્ધ 2006માં ત્રીજી ડિસેમ્બરથી કોલકાતાના દિલ એસ્પ્લેનેડમાં આમરણાંત ઉપવાર શરૂ કર્યા હતા. આ દરમિયાન રાજ્યભરમાં આંદોલન થયા હતા. ત્યારબાદ વિરોધ પ્રદર્શન શાંત કરવાના ઘણા પ્રયાસો કરાયા. જોકે અંતે રતન ટાટાએ નેનો પ્રોજેક્ટને સિંગુરમાંથી બહાર નિકળવાની જાહેરાત કરવી પડી હતી.