પાકિસ્તાનના સિયાલકોટમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળીમારીને કરી હત્યા
શાહિદ લતીફ ભારત સરકારના મોસ્ટ વોંટેડ લિસ્ટમાં સામેલ હતો
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હતો શાહિદ લતીફ.
માહિતી મળી રહી છે કે, પાકિસ્તાનનાં સિયાલકોટમાં અજ્ઞાત હુમલાખોરોએ પઠાણકોટ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ આંતકવાદી શાહિદ લતીફની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જૈશ-એ-મોહમ્મદના આંતકવાદી શાહિદ લતીફ અને હાશિમને દસ્કા શહેરની એક મસ્જિદ પાસે કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
NIAએ UAPA હેઠળ શાહિદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે ભારત સરકારના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. શાહિદ લતીફ પહેલા પણ અનેક આતંકવાદીઓની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. આ પહેલીવાર નથી કે જ્યારે ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ કોઈ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હોય. આ પહેલા પણ ભારતમાં આતંકવાદી જાહેર આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. ભારત સરકારે વર્ષ 2010માં તેને ડિપોર્ટ કર્યો હતો. શાહિદ લતીફ કાંધાર હાઈઝેક કેસમાં પણ આરોપી હતો. વર્ષ 1999માં કાંધાર હાઈઝેક સમયે મૌલાના મસૂદ અઝહરની સાથે તેને છોડી મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેને છોડવાની માગણી પડતી મૂકવામાં આવી હતી.
વર્ષ 2016માં પંજાબના પઠાણકોટ ખાતે આવેલ એરબેઝ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના સાત જવાનો શહીદ થયા હતા. આ હુમલો આતંકી સંગઠન જઈશ-એ-મોહમ્મદના નામે કરવામાં આવ્યો હતો. આ હુમલાનો માસ્ટમાઈન્ડ હતો શાહિદ લતીફ. શાહિદ લતીફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલામાં રહેતો હતો. તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. તે સિયાલકોટ સેક્ટરનો કમાન્ડર હતો, જે ભારતમાં આતંકવાદીઓને લોન્ચ કરવાની દેખરેખ અને આતંકી હુમલાઓની યોજનાઓ બનાવવામાં સામેલ હતો. શાહિદ લતીફની 12 નવેમ્બર 1994ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે જમ્મૂ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની જેલોમાં લગભગ 16 વર્ષ સુધી બંધ રહ્યો હતો. બાદમાં 2010માં વાઘા બોર્ડરથી તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો.