સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા
અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ G20 અને ચંદ્રયાન-૩ જેવા વિષયો દર્શાવતી ૩૨૫ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યશ્રીઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી G20 અને ચંદ્રયાન-૩ જેવા વિવિધ વિષયો દર્શાવતી ૩૨૫ ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આશરે ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ ૮ દિવસના સમયમા જ આશરે ૧૦૦ મીટર કાપડના ઉપયોગથી આ રાખડી બનાવી છે, જેમાં ભારત અને ગુજરાતની અસ્મિતા, ભારતની G20ની અધ્યક્ષતા, ચંદ્રયાન-૩ની સફળતા જેવા વિવિધ વિકાસ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.