મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના માટે ફક્ત 2 જ મીનિટ બોલ્યાં : રાહુલ ગાંધી

Rahul Gandhi

વડાપ્રધાન મણિપુરને સળગાવવા માગે છે, બચાવવા નહીં
પીએમ મોદી મણિપુર પર હસી-હસીને બોલ્યા, આ શોભા આપતું નથી
વડાપ્રધાન મોદીએ સ્પીચમાં ભારત વિશે નહીં પણ પોતાના વિશે ભાષણ આપ્યું

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આપેલા જવાબ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના વિશે ફક્ત 2 જ મીનિટ બોલ્યા હતા. પીએમ મોદી મણિપુરની આગને ઓલવવા જ નથી માગતા. મણિપુરમાં શાંતિ લાવવા સૈન્યને તહેનાત કરવાની જરુર છે. તે બે જ દિવસમાં શાંતિ સ્થાપિત કરી શકે છે. વડાપ્રધાન હસી-હસીને બોલી રહ્યા હતા, તે તેમને શોભતું નથી. જો ભારતમાં ક્યાંક હિંસા થઈ રહી છે, તો તેઓએ આવી રીતે હસીને બોલવું જોઈએ નહીં.

રાહુલ ગાંધીએ કહું કે હું લગભગ 19 વર્ષથી રાજકારણમાં છું. હું દરેક રાજ્યમાં ગયો. પૂર, સુનામી, હિંસા થાય, આપણે જઈએ. મારા 19 વર્ષના અનુભવમાં મેં જે મણિપુરમાં જોયું, એવું ક્યાંય જોયું નથી. મણિપુર માટે જે મેં કહ્યું કે ભારતમાતાની હત્યા થઈ છે, એ એમ જ નથી કીધું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારે ત્યાં મુલાકાત લેવાની હતી. જ્યારે અમે મૈતેઈ વિસ્તારમાં ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે જો કુકી તમારી સિક્યુરિટીમાં હશે તો અમે તેને ગોળી મારીશું. જ્યારે તે કુકીના વિસ્તારમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે જો મૈતેઈ સિક્યુરિટીમાં હશે તો તેને મારી નાખવામાં આવશે. આપણા દેશમાં શું થઈ રહ્યું છે તેની વડાપ્રધાનને ખબર જ નથી લાગતી. જો તેઓ જઈ શકતા નથી, તો પછી ત્યાં વિશે વાત કરે. વડાપ્રધાન મણિપુરને બાળવા માગે છે, તેને બચાવવા નથી માગતા.

વધુમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ 2 કલાક ભાષણમાં કોંગ્રેસ વિશે, ભાજપે કરેલા કાર્યો અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી પણ મણિપુર મુદ્દે ફક્ત 2 જ મિનિટ વાત કરી હતી. તેઓ મણિપુરની મુલાકાતે પણ ગયા નથી. વડાપ્રધાન મોદી મણિપુર ત્રણ મહિનાથી સળગી રહ્યું હોવા છતાં કંઈ કરી રહ્યા નથી. મણિપુરમાં હિંસાને રોકવા માટે તેમણે પહેલાં કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમની પાસે અનેક હથિયારો છે પણ તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા નથી. તેમણે હિંસા રોકવા પર ધ્યાન આપવાની જરૂર છે. તેઓ ભારતીય સૈન્યને તહેનાત કરી શકે છે. પછી તેઓ વાતચીતનો માર્ગ અપનાવી શકે છે.
આવા અનેક ગંભીર આરોપો પીએમ મોદી સામે મૂક્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે ગઈકાલે સંસદમાં પીએમનું ભાષણ ભારત વિશે ન હતું પરંતુ તે નરેન્દ્ર મોદી વિશે હતું. તે તેમના રાજકારણ વિશે હતું. વડાપ્રધાન પોતાના વિશે કહેવા માગે છે કે, તેઓ 2024માં વડાપ્રધાન બનશે, તે પછીની વાત છે. તેમણે આ વાત સભામાં કહેવી જોઈએ. સંસદમાં મણિપુરની ચર્ચા થઈ રહી હતી. તેના પર તેણે કશું કહ્યું નહીં. મણિપુરમાં જે હજારો શસ્ત્રો લૂંટાયા હતા તે સરકારના શાસનમાં જ લૂંટાઈ ગયા હતા. જે હિંસા થઈ રહી છે, અમિત શાહ ઈચ્છે છે કે આ હિંસા ચાલુ રહે. ત્યાં જે થાય છે તે સીએમના ત્યા હાજર રહેતાં જ થાય છે.

પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે રાહુલને જયરામ કહ્યું, તો રાહુલે તેમને જય સિયારામ કહ્યું. પત્રકારે પૂછ્યું- તમે 37 મિનિટનું ભાષણ આપ્યું. 14 મિનિટ બતાવવામાં આવી છે. તમે આ પરંપરાને કેવી રીતે જુઓ છો? રાહુલે કહ્યું- કદાચ પીએમ મારો ચહેરો જોવા નથી માંગતા. તેમને ટીવી પર મારો ચહેરો પસંદ નથી. મારે મારું કામ કરવાનું છે. જ્યાં પણ ભારત માતા પર હુમલો થશે, હું તમને ત્યાં ઊભો જોવા મળીશ.​​​​​​​

ગુરુવારે પીએમ મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા 2 કલાક 12 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં 1 કલાક 32 મિનિટ પછી મણિપુર પર ભાષણ આપ્યું હતું. PMએ કહ્યું- હું તમામ દેશવાસીઓને આશ્વાસન આપવા માગું છું કે જે પ્રયાસો થઈ રહ્યા છે, નજીકના ભવિષ્યમાં શાંતિનો ચહેરો ચોક્કસપણે સામે આવશે. મણિપુર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગઈ કાલે જ્યારે અમિતજીએ મણિપુર પર વિગતવાર વાત કરી ત્યારે દેશને તેમનાં જુઠ્ઠાણા વિશે પણ ખબર પડી. અમે કહ્યું હતું કે એકલા મણિપુર આવો, પણ હિંમત ન હતી, પેટમાં પાપ હતું અને અમારા માથે ઠીકરું ફોડી રહ્યા હતા. તેમણે રાજકારણ સિવાય બીજું કંઈ કરવું નથી. મણિપુરમાં કોર્ટનો ચુકાદો આવ્યો હતો, આપણે જાણીએ છીએ. તેની તરફેણમાં અને તેની વિરુદ્ધમાં જે પરિસ્થિતિઓ થઈ, હિંસાનો સમયગાળો શરૂ થયો, પરિવારોએ તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા, મહિલાઓ સામે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા, આ અક્ષમ્ય છે, કેન્દ્ર અને રાજ્યો ગુનેગારોને ન્યાય અપાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓને આશ્વાસન આપવા માગું છું કે જે પ્રયાસો થઈ રહ્યા છે તેના કારણે નજીકના ભવિષ્યમાં શાંતિનો ચહેરો ચોક્કસપણે ઊભરી આવશે. ત્યારે મણિપુર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિન્દુસ્તાનની, ભારતની વિચારધારાની જ હત્યા કરાઇ છે. આ બધુ કર્યું છે ભાજપે. આ બધું થવા દીધું વડાપ્રધાન મોદીએ. જે મેં મણિપુરમાં જોયું છે તે અગાઉ ક્યારેય જોયું નહોતું.