વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની આગાહી, 27થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર રાજ્ય પરથી હટી જતાં વાતાવરણ ચોખ્ખું થઇ ગયું છે. જોકે માવઠાં બાદ હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસમાં ઠંડી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી મુજબ, રાજ્યમાં 16થી 18 વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ જોવા મળશે. 22 ડિસેમ્બરથી 27 સુધી ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 27થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. હાલમાં મધ્ય ગુજરાતમાં 14 ડીગ્રી, ઉત્તર ગુજરાતમાં 12 ડીગ્રી તાપમાન જોવા મળશે. જોકે 22 ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસામાં ન્યૂનતમ તાપમાન 9 ડીગ્રી જોવા મળશે.

ગુજરાતમાં 27થી 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે
જ્યારે ગુજરાતમાં 27થી 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે. રાજ્યમાં કમોસમી વરસાદી માવઠાં બાદ લોકોને હવે ઠંડીના ચમકારાએ બાનમાં લીધા છે. હાલ થોડા દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઊભા રવી પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે. ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારથી ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે.

અમદાવાદનું લઘુતમ તાપમાન 17.2 ડીગ્રી નોંધાયું
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ઠંડીનો પારો ગગડયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડા શહેર તરીકે નલિયા ફરી મોખરે રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.2 ડીગ્રી નોંધાયું છે. રાજકોટ 15.1 ડીગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડીગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનું જોર ધીરે-ધીરે વધશે. લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે
રાજ્યમાં ઠંડીના ઈતિહાસની સૌથી કાતિલ ઠંડી પણ નલિયાના નામે જ નોંધાયેલી છે. આજથી ઠીક 8 વર્ષ પહેલાં, એટલે કે 2012ની 1 જાન્યુઆરીએ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 2012ની 1 જાન્યુઆરીએ 3.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે એ તાપમાન મધરાતને બદલે સવારના આઠ વાગ્યા આસપાસનું હતું. એનાથી પણ થોડા દૂરના ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1964માં 11મી ડિસેમ્બરે નલિયામાં 0.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. એ તાપમાન નલિયાના ઈતિહાસમાં સૌથી ઓછું તાપમાન તરીકે નોંધાયેલું છે.