કોળી – ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન બાદ રાજૂબાપુએ રડતાં-રડતાં માફી માંગી

rajubapu

પોલીસ ફરિયાદ બાદ તેમની અટકાયત કરાઈ હતી જો કે ત્યારબાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, શિવપુરાણ કથા દરમિયાન કથાકાર રાજુબાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપતા બંને સમાજના લોકો ભારે રોષે ભરાયા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વકરતા રાજુબાપુએ આ મામલે માફી માગી હતી. પરંતુ હવે મહેશ કોળીએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં રાજુબાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજુબાપુ વિરુદ્ધ IPC 153(એ)(1) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વાયરલ વીડિયો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા તેમની અટકાયત કરાઈ હતી અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ મારેલીમાં રાજુબાપુના નિવાસ સ્થાને કોળી અને ઠાકોર સમાજના લોકો ભેગા થયા હતા અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. દરમિયાન પોલીસની હાજરીમાં રાજુબાપુએ પોતાના નિવાસસ્થાન બહાર આવીને કોળી અને ઠાકોર સમાજના લોકોની રડીને અને હાથ જોડીને માફી માંગી છે અને પોતાની ભૂલ થઇ હોવાનું કહી માફ કરવા કહ્યું છે. રાજુબાપુએ માફી માગી હોવા છતાં પણ રોષ ઓછો થયો નથી અને આગામી પાંચ વર્ષ સુધી રાજુબાપુ દ્વારા કથા કરવામાં ન આવે તેવી માગ કરવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 19 મેએ પોતાના પ્રવચન દરમિયાન રાજુબાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણા સમાજની દીકરી કોળી ઠાકોર ના દિકરા સાથે લગ્ન કરી લે એ કલંક છે. જે કુળમાં સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન સાથે લગ્ન કરી લો એવા કુળની યુવતી સાથે લગ્ન કરી લો તો તમારામાં જે લોહી ઉતરે છે. એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી સાથે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય! આવી દીકરીઓને સ્વીકારવી સમાજ માટે ભયંકર પાપ છે.

તેમના વાણિવિલાસનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તેમણે મંચ પરથી વધુમાં જણાવ્યું હતું કે, જે પોતાના કુળ છોડી નીચા કુળમાં જતી રહે એવી દીકરીનો સ્વિકાર કરો એના કરતાં સમાધિ લઈ લેવી પોતાના કુળથી કોઈ દિવસ નીચે નહીં ઉતરતા નહીં તો સમાજ માફ કરી દેશે પરંતુ મારો મહાદેવ તમને ક્યારેય માફ નહીં કરે. આમ કોળી ઠાકોર સમાજના લોકોની લાગણી દુભાય તેવું ધ્રુણાસ્પદ કૃત્ય કથાકાર રાજુ બાપુ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારબાદ બાદ તેમની ભારે ટીકા થઈ રહી છે. કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુનો વિરોધ કરાયો હતો. આ ઉપરાંત તેમની વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે અને જાહેરમાં માફી માંગવાની માંગ કરાઈ છે.