જેલ સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા: જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન

Jail of reformation

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. 15,001 નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ’ તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક’ (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે

બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે ‘વિકાસદીપ’ યોજના હેઠળ રૂા. 15,001 નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

છેલ્લા બે વર્ષમાં જેલ તંત્રએ અપાયેલા પ્રોત્સાહનો

‘એક નઈ ઉમ્મીદ’ યોજના: રાજ્યની જેલોમાં રહેલા બંદીવાનોને ધોરણ 10, ધોરણ 12 તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 57 બંદીવાનોને તા.12/08/2024ના રોજ રૂ.74,057/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

પાકા બંદીવાનોના 77 બાળકોને પ્રોત્સાહન: 38 પાકા બંદીવાનોના કુલ 39 બાળકોને તા.21-11-2024ના રોજ રૂ.54,038/- તથા તા.25-06-2025ના રોજ પાકા 34 બંદીવાનોના કુલ 38 બાળકોને રૂ.47,538/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

10 બંદીવાનોના બાળકો: તા.22/01/2026ના રોજ કુલ પાકા 10 બંદીવાનના 10 બાળકોને રૂ.11,500/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા.

51 બંદીવાનો: રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોને ‘એક નઈ ઉમ્મીદ’ યોજના અન્વયે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ 51 બંદીવાનોને તા.25-06-2025ના રોજ રૂ.57,551/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવેલ.

તા.22/01/2026ના રોજ કુલ 01 બંદીવાનોને રૂ.1,501/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું.