ચૈત્રી નવરાત્રિ દરમ્યાન પાવાગઢ અને અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

ambaji-pavagadh

30 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રિ દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ માતાજીનાં ધામ દર્શન માટે જતા હોય છે. જેથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ થતી હોવાથી શ્રદ્ધાળુઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે. ત્યારે નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય અને ભક્તો માતાજીના દર્શન યોગ્ય રીતે કરી તે માટે મંદિરમાં દર્શન અને સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચૈત્રી નવરાત્રીના દિવસોને લઇને ઉત્તર ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તેમજ પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..

પાવાગઢમાં આરતી અને દર્શનનો સમય

પાવાગઢમાં એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગ્યે ખુલશે. અને નવરાત્રિનાં નવે નવ દિવસ દરમિયાન મંદિર રાત્રે આઠ વાગ્યે બંધ થઈ જશે.

અંબાજીમાં આરતી તેમજ દર્શનનોસમય

30 માર્ચ 2025, ચૈત્ર સુદ – એકમ

ઘટસ્થાપન – સવારે 9:15 કલાકે
આરતી – સવારે 7 થી 7:30
દર્શન – સવારે 7:30 થી 11:30 સુધી
રાજભોગ – 12 વાગ્યે
દર્શન – 12:30 થી 4:30 સુધી
દર્શન – સાંજે 7 થી 9

આ સિવાય આઠમ અને પૂનમના દિવસે આરતીનો સમય પણ બદલવામાં આવ્યો છે.

આઠમ – 5 એપ્રિલ – સવારે 6 વાગ્યે આરતી કરવામાં આવશે.
પૂનમ – 12 એપ્રિલ – સવારે 6 વાગ્યે આરતી કરવામાં આવશે.

અંબાજી મંદિરના મુખ્ય પુજારી ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું કે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારે સવારે સાડા નવ વાગે વિધિ-વિધાન અનુસાર, ઘટ સ્થાપન કરવામાં આવશે. અહીંની પરંપરા અનુસાર, અષ્ટમીના દિવસે હવન થશે, જેમાં જવારા હોમવામાં આવશે. ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે.

ચૈત્રી નવરાત્રીનું મહત્ત્વઃ-
પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરના આતંકને કારણે સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ પછી બધા દેવતાઓએ માતા પાર્વતીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. પછી દેવી પાર્વતીએ તેના ભાગમાંથી નવ સ્વરૂપો પ્રગટ કર્યા, જેને દેવતાઓએ તેમના શસ્ત્રો આપીને શક્તિ આપી. એવું કહેવાય છે કે આ સમગ્ર પ્રક્રિયા ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈ હતી અને 9 દિવસ સુધી ચાલી હતી. માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનામાં નવરાત્રિ ઉજવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.

ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ રામ નવમીના દિવસે થયો હતો, તેથી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથીએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે.