ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા
ગઈકાલે રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડાબ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન ગઈ કાલે 600 ટનની મહાકાય ક્રેન રેલવે ટ્રેક પર તૂટી પડી હતી. ક્રેન પડતાં ભારતનો સૌથી વ્યસ્ત રેલવે રૂટ આશરે 15 કલાક કરતાં વધુ સમયથી બંધ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતને પગલે કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનના સમય બદલાયા છે, જ્યારે 6 ટ્રેનને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે.
વંદે ભારત એક્સપ્રેસને માત્ર વડોદરા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યાર બાદ તેને રદ્દ કરવામાં આવી. તે જ રીતે, શતાબ્દી એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવી, પછી રદ્દ કરવામાં આવી. ગુજરાત એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે વડોદરાથી અમદાવાદ જતી અન્ય કેટલીક ટ્રેનો પણ રદ્દ કરાઈ છે.

અગાઉ વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. રેલવે તંત્ર દ્વારા પરિસ્થિતિને ઝડપથી સામાન્ય લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.
રેલવે વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વટવા ખાતે થયેલી સમસ્યાને હલ કરવામાં આવી છે. ધીરે-ધીરે રેલવે વાહન વ્યવહાર નોર્મલ થઈ રહ્યો છે.
આ ઘટના અંગે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ જણાવ્યા મુજબ, ગઈકાલે રાતે લગભગ વટવાના રોપડા ગામ નજીક આવેલા બ્રિજ પાસે વાયડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાનારું સેગમેન્ટલ લોન્ચિંગ ગૈંટ્રી કોંક્રિટ ગર્ડરનું લોન્ચિંગ કરીને ટીમ પાછી આવી રહી હતી. આ દરમિયાન લોન્ચિંગ ગૈંટ્રી અચાનક ખસી ગઈ હતી અને નીચે પડી હતી. જેને લીધે તેની નજીકથી પસાર થતી રેલવેની ઓવરહેડ લાઈનો તાર તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક NHSRCLના અધિકારીઓ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમારકામની કામગીરી હાથ ધરી હતી.