ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર “ટીમ ઈન્ડિયા”ને BCCI દ્વારા ઈનામમાં 58 કરોડ રૂપિયા રોકડા આપવાની જાહેરાત

58CrorePrizeTeamIndia

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીત્યું હતું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ માટે ઈનામની જાહેરાત કરી છે. જે મુજબ BCCI દ્વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ રકમ ટીમના તમામ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. જોકે, BCCIએ સ્પષ્ટ કર્યું નથી કે કોને કેટલી રકમ આપવામાં આવશે.

જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે જારી કરેલા નિવેદનમાં આ એવોર્ડની વિગતો આપવામાં આવી નથી. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સતત આઇસીસી ટાઇટલ જીતવા વિશેષ છે અને આ એવોર્ડ વૈશ્વિક મંચ પર ટીમ ઇન્ડિયાના સમર્પણ અને શ્રેષ્ઠતાની માન્યતા છે. કેશ એવોર્ડ એ પડદા પાછળ દરેક દ્વારા કરવામાં આવતી સખત મહેનતની માન્યતા છે. આઇસીસી અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપની જીત બાદ આ 2025માં અમારી બીજી આઇસીસી ટ્રોફી હતી અને આ આપણા દેશમાં અસ્તિત્વ ધરાવતી મજબૂત ક્રિકેટ ઇકોસિસ્ટમને રેખાંકિત કરે છે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે આ રોકડ પુરસ્કાર સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એક સન્માન છે. ખેલાડીઓએ દબાણમાં નોંધપાત્ર ધૈર્ય બતાવ્યું છે અને તેમની સફળતા દેશભરના મહત્વાકાંક્ષી ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. ટીમે ફરી સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટ કૌશલ્ય, માનસિક મજબૂતી અને વિજયી માનસિકતાના મજબૂત પાયા પર નિર્મિત છે.

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઈ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને આ એવોર્ડથી સન્માનિત કરવામાં ગર્વ અનુભવે છે. વિશ્વ ક્રિકેટમાં તેનો દબદબો વર્ષોની સખત મહેનત અને વ્યુહાત્મક અમલનું પરીણામ છે. આ જીતથી વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ભારતના ટોચના રેન્કિંગને યોગ્ય ઠેરવવામાં આવ્યું છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીત્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતુ. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 251 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં જ મેચ અને ચેન્પિયન્સ ટ્રોફી બંને જીતી લીધી હતી. જેથી BCCI ભારતીય ક્રિકેટ ટીમને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે.

ભારતે તેની બધી મેચ દુબઈમાં રમી અને બધી જ મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને કરી હતી. ત્યાર બાદ ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી અને ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. સેમિફાઇનલમાં તેઓએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતું.

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં 53 ટકાનો વધારો કર્યો. ભારતીય ટીમને 2.4 મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે 19.5 કરોડ રૂપિયા મળ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચેમ્પિયન્સ ટ્રોફીની કુલ ઇનામી રકમમાં $6.9 મિલિયન (લગભગ રૂ. 60 કરોડ)નો વધારો કર્યો છે.

વિજેતા ઉપરાંત, રનર-અપ ન્યૂઝીલેન્ડ ટીમને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.72 કરોડ) મળ્યા, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બે ટીમો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને $56,000 (રૂ. 4.86 કરોડ) મળ્યા.