બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા SIR મુદ્દે ચાલી રહેલ વિવાદનો અંત આવી રહ્યો નથી. તેનો વિરોધ બિહારથી લઈને દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષે પણ સરકાર અને ચૂંટણી પંચ ઉપર વોટ ચોરીનો આરોપ લગાવ્યો. આ કારણે વધી રહેલા વિરોધના લીધે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
ચૂંટણી પંચ બિહારની 243 વિધાનસભા મતવિસ્તારના 90,817 મતદાન મથકો માટે મતદાર યાદીનો ડ્રાફ્ટ બહાર પાડશે. આ ડ્રાફ્ટ 38 જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ રાજકીય પક્ષોને આપવામાં આવશે. આ સાથે તેને વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં ગઈ રાતથી ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવાનું કામ ચાલી રહ્યું છે. બિહારમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં તેને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. પરંતુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં અપલોડ કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. કોઈ પણ વ્યક્તિ ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને પોતાનું નામ ચકાસી શકે છે કે તેનું નામ ડ્રાફ્ટમાં છે કે નહીં. જો તેનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો, તે વાંધો નોંધાવીને પોતાનું નામ ઉમેરી શકે છે, પરંતુ આ માટે તેણે તમામ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
જો કોઈને એમ લાગે કે મતદાર યાદીમાં ખોટી વ્યક્તિનું નામ ઉમેરાયું છે તો તે અંગે પણ વાંધો નોંધાવી શકે છે. આ માટે, ચૂંટણી પંચે તમામ જિલ્લાઓને વાંધા અને નો-ઓબ્જેક્શન માટે કોમ્યુનિટી હોલ જેવા મોટા સ્થળો પસંદ કરવા માર્ગદર્શિકા જારી કરી છે, જેથી મહત્તમ સંખ્યામાં લોકોની ફરિયાદોનું નિરાકરણ થઈ શકે.