104 હેલ્થ હેલ્પલાઇને રાજ્યમાં 7 હજારથી વધુ કૉલ્સનો સકારાત્મક પ્રતિસાદ આપીને હજારો જિંદગીઓ બચાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘CALL 104’ ફિલ્મ નિહાળી, મુખ્યમંત્રીએ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સ્ટારકાસ્ટ ઉપરાંત હેલ્પલાઇનના કાઉન્સિલરોને બિરદાવ્યા હતા.

104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મ ‘CALL 104’ રાજ્યના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. આ પ્રસંગે અમદાવાદના વાઇડ એન્ગલ મલ્ટિપ્લેક્સ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સ્ટારકાસ્ટ ઉપરાંત 104 હેલ્પલાઇનના કાઉન્સિલરોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગમે તેવી હતાશા કે નિરાશામાં પણ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરવા અને પ્રેમથી જિંદગી જીવવા અપીલ કરીને સૌને એકબીજાને મદદરૂપ થવા અને સાથે મળીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે હેલ્પલાઇનના લાભાર્થી તથા કાઉન્સિલરે તેમના અનુભવો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સનો સકારાત્મક પ્રતિસાદ આપીને હજારો જિંદગીઓ બચાવી શકાઈ છે. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજકીય અગ્રણી પ્રેરકભાઈ શાહ, સ્થાનિક ધારાસભ્યઓ, ડે. મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ, ફિલ્મના નિર્માતા જય પટેલ, ડિરેક્ટર રાજુ પટેલ, જાણીતા અભિનેતા ધર્મેશ વ્યાસ સહિતની સ્ટારકાસ્ટ, શુંજીવીકેના સીઓઓ જશવંત પ્રજાપતિ, 104 હેલ્થ હેલ્પલાઇનના હેડ ડૉ. ધવલ માંડલિયા, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે 104 હેલ્થ હેલ્પલાઇન જાહેર થયાના વર્ષ 2019થી જૂન 2025 સુધીમાં આપઘાતને લગતા 7372 કૉલ્સ પર નાગરિકોને યોગ્ય પ્રતિસાદ આપીને તેમને ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કૉલ્સમાં માનસિક બીમારી, પરિવાર સંબંધિત, અંગત સંબંધો, આર્થિક સમસ્યા, મેડિકલ બીમારી, શારીરિક/જાતિય સતામણી, શિક્ષણને લગતા તેમજ અન્ય કૉલ્સ સામેલ છે. આ કૉલ્સ આવ્યા બાદ નાગરિકોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને સામેથી ફોન કરીને વધુ માર્ગદર્શન આપવામાં આવે છે. હેલ્પલાઇન દ્વારા સમયાંતરે તે નાગરિકોને ફોલોઅપ કોલ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમનું જીવન સહજ અને સામાન્ય થયાની ખાતરી સુધી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.

રાજ્યના નાગરિકોને આરોગ્યને લગતી ઉચ્ચ ગુણવત્તાસભર સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરીની માહિતી અને આરોગ્યલક્ષી સલાહ, સૂચન અને માર્ગદર્શન સાથે માનસિક રીતે અસ્વસ્થ અને સ્વયંને નિસહાય અનુભવતા લોકોને નિષ્ણાત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવા માટે 104 હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટેની સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનના પરિણામે બહોળી સંખ્યામાં રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળ્યો છે. રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ ઝડપથી પહોંચે તે હેતુથી અદ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.