ચકુડિયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિતે સવારના મહાઆરતી અને સવામણ દૂધનો અભિષેક અને સવાલાખ બીલીપત્ર ચઢાવવામાં આવશે.
અમદાવાદમાં રખિયાલના સુપ્રસિદ્ધ જાણીતા ભગવાન શંકરનું પૌરાણિક મંદિર આવેલું છે. જે મંદિર પહેલા ચોટિયા મહાદેવના નામથી પ્રચલિત હતું. હાલ તે ચકુડિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર આશરે 266 વર્ષ જુનું છે.
ચકુડિયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિતે સવારના મહાઆરતી અને સવામણ દૂધનો અભિષેક અને સવાલાખ બીલીપત્ર ચઢાવવામાં આવશે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજે ૪.૩૦ વાગે બરફના મહાદેવના દર્શન ખુલ્લા મુકવામાં આવશે. શ્રાવણ વદ અમાસના દિવસે લઘુરુદ્ર હવન થશે તથા શ્રાવણ વદ અમાસની રાત્રે 12.00 વાગે મહાપૂજા પ્રારંભ થશે અને સવારે 4.00 વાગે પુરી થશે આ સમય દરમ્યાન દાદાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે.
શ્રાવણ માસના પર્વ નિમિતે દાદાના સાનિધ્યમાં ચાર સોમવાર, જન્માષ્ટમી, રક્ષાબંધન અને શ્રાવણ અમાસે મેળો ભરાશે. મહાદેવના પટાંગણમાં ભાવિક ભક્તોને દર્શનાથે મહાકાળી માતા, બળિયાદેવ, સાંઈનાથ બાબા, હનુમાનજી, પહાડેશ્વર દાદાના દર્શન થશે, રાધાકૃષ્ણ ભગવાન અને રામ દરબાર, કેવટ પ્રસંગ તેમજ બાર જ્યોતિલિંગ, ઋષિકેશ દાદાના દર્શન થશે. હરિભક્તોને શનિદેવના દર્શન થાય એ હેતુથી અમદાવાદના રખિયાલ વિસ્તારમાં જય ચકુડિયા મહાદેવમાં શનિદેવના દર્શન માટે શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે.
ચકુડિયા મહાદેવ મંદિરમાં વર્ષોથી સદાવ્રત ચલાવવામાં આવે છે. જેમાં સવારે અને સાંજે 600થી વધારે ભક્તો પ્રસાદીનો લાભ લે છે. દરરોજ મંદિરમાં શાક, રોટલી, દાળ, ભાત બનાવવામા આવે છે. અને તે નિશુલ્ક આપવામાં આવે છે. મંદિરની ગૌશાળામાં ગાયો રાખવામાં આવી છે. ગાયનું દુધ દિવ્યાંગ લોકોને નિશુલ્ક આપવામાં આવે છે. ચકુડિયા મહાદેવ દાળરોટી સદાવ્રત ટ્રસ્ટ તરફથી કોઈપણ જાતના ભેદભાવ વગર સાંધુ સંત તેમજ ગરીબોને દરરોજના સવાર સાંજ એક હજાર અભ્યાગતો ભોજન પીરસવામાં આવે છે. મહારાજ તેમજ તેમનો પરિવાર પ્રેમથી જમાડે છે. આ સંસ્થા ગૌશાળા પણ ચલાવે છે. તેમાં લગભગ ૧૫૦ ગાયોની સેવા થાય છે.
શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો ઔલોકિક નજારો અને શિવની અનુભૂતિ માટે શિવ ભક્તો ખાસ ચકુડિયા મહાદેવ મંદિરે આવે છે. શિવરાત્રીના દિવસે મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના દર્શન માટે શિવભક્તો તલાવેલી સાથે ચકુડિયા મહાદેવ મંદિરે હાજર રહે છે. મહાદેવની પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજા પૂજા, પાઘપૂજા, ચકુડિયા મહાપૂજા, મહામૃત્યુંજય યજ્ઞ અને પાઠ શિવ ભક્તોને મહાદેવ સમીપે ખેંચી લાવે છે. શ્રાવણ માસના પવિત્ર મહોત્સવમાં બળેવ (રક્ષાબંધન) ના દિવસે ઘી માંથી બનાવેલ શિવ પરિવારના દર્શન સવારથી ખુલ્લા મુકવામાં આવશે અને ગોકુલ અષ્ટમી (જન્માષ્ટમી) ના દિવસે કૃષ્ણ જન્મોત્સવ રાત્રે ૧૨.૦૦ વાગે ધામધૂમથી ઉજવવામાં આવશે.