બિહારથી કર્ણાટક સુધી મતદાર યાદીમાં ગેરરીતિઓ, અમારી પાસે સંપૂર્ણ પુરાવાઓ, અમે ચૂંટણી પંચને છોડશું નહીં: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા અને લોકસભાના લીડર ઓફ અપોઝિશન રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર જોરદાર હુમલો કર્યો છે. ગુરુવારે સંસદ ભવનના સંકુલમાં પત્રકારો સાથે સબોધન કરતા, તેમણે દાવો કર્યો છે કે અમારી પાસે 100 ટકા નક્કર પુરાવા છે કે ચૂંટણી પંચે કર્ણાટકની એક લોકસભા બેઠકમાં છેતરપિંડી આચરવાની મંજૂરી આપી હતી. તેમણે કડક શબ્દમાં કહ્યું કે ચૂંટણી પંચ એવું વિચારી રહ્યું છે તે છટકી જશે, તેવી તેમની ભૂલ છે, અમે તેમને છોડવાના નથી.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો, કર્ણાટકમાં માત્ર એક જ લોકસભા બેઠકની તપાસ કરી અને તેમાં મોટા પાયે ગેરરીતિઓ જોવા મળી. તેમણે કહ્યું કે, 45, 50, 60, 65 વર્ષની વયના હજારો નવા મતદારો ઉમેરાયા છે. માત્ર એક બેઠકની વાત છે. એવી ઘણી બેઠકો પર મતદારો કાઢી નાખવા નવા મતદારો ઉમેરવા અને ગેરકાયદેસર ઉમેરવાનું કામ ચાલી રહ્યું છે. અમે આ પુરાવાઓ બહાર લાવીશું.

ગાંધી ચૂંટણી પંચને સીધી ચેતવણી આપતા કહ્યું, હું ચૂંટણી પંચને સંદેશ આપવા માંગુ છું કે જો તમને લાગે છે કે તમારો બચાવ થશે તો તમે ખોટા છો. અમે તમારી પાછળ પડી જઈશું. આ લોકશાહીની હત્યાને અમે સહન નહીં કરીએ.

બિહારમાં ચાલી રહેલા વિશેષ સઘન સંશોધન અંગે વિપક્ષી નેતાઓની ચિંતાઓને સમર્થન રાહુલ ગાંધીએ આપ્યું હતું. તેમણે કહ્યું કે બિહારમાં લાખો મતદારો તેમના સરનામે મળ્યા નથી અને આ પ્રક્રિયા વિપક્ષી મતદારોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું ચૂંટણી પંચ સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે અને તેની બંધારણીય જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.

રાહુલ ગાંધીએ બુધવારે પણ કહ્યું હતું કે દેશમાં ચૂંટણીઓ “ચોરી” થઈ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ મત ચોરીની પદ્ધતિ સમજી ગઈ છે અને ટૂંક સમયમાં તેનો કાચો હિસાબ કાગળ પર મૂકવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે અને આ આખા દેશમાં થઈ રહ્યું છે.