નવી દિલ્હી. સંસદનું ચોમાસુ સત્ર 2025 આજથી શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત થતા પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘દરેક પરિવારની અર્થવ્યવસ્થા માટે વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં દેશને તેનો ફાયદો થશે. આ ચોમાસુ સત્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ સત્ર છે.
PMએ સત્રની શરૂઆતમાં કહ્યું કે ચોમાસું નવીનતા અને નવીનીકરણનું પ્રતીક છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર, દેશમાં મોસમ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. ખેતીવાડી માટે ફાયદાકારક હવામાનના સમાચાર છે. ખેડૂતો, દેશની અર્થવ્યવસ્થા, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને દરેક પરિવારની અર્થવ્યવસ્થામાં વરસાદ મહત્વપૂર્ણ છે… આ વખતે છેલ્લા 10 વર્ષ કરતાં 3 ગણો વધુ પાણીનો સંગ્રહ થયો છે, જે આગામી દિવસોમાં દેશના અર્થતંત્રને પણ ઘણો ફાયદો કરાવશે.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારતીય સેનાની તાકાત જોઈ. ઓપરેશન સિંદૂર હેઠળ, 22 મિનિટની અંદર, આતંકવાદી માસ્ટરોના ઘરોને જમીન પર ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. મેડ ઇન ઇન્ડિયા લશ્કરી શક્તિના આ નવા સ્વરૂપ પ્રત્યે દુનિયા ખૂબ આકર્ષિત થઈ છે. આ દિવસોમાં હું જ્યારે પણ દુનિયાના લોકોને મળું છું ત્યારે ભારત દ્વારા બનાવવામાં આવતા મેડ ઈન ઈન્ડિયા હથિયારો તરફ દુનિયાનું આકર્ષણ વધી રહ્યું છે…’
દેશમાં માઓવાદ અને નક્સલવાદનો વ્યાપ ધટ્યો
પીએમે કહ્યું કે આજે આપણા સુરક્ષા દળો નક્સલવાદનો અંત લાવવા માટે એક નવા આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. આજે ઘણા જિલ્લાઓ નક્સલવાદથી મુક્ત છે. દેશમાં માઓવાદ અને નક્સલવાદનો વ્યાપ ઘટી રહ્યો છે. અમને ગર્વ છે કે આપણા દેશનું બંધારણ બંદૂક સામે જીતી રહ્યું છે. જે ઝોન પહેલા રેડ ઝોન હતા તે હવે દેશ માટે ગ્રીન ઝોન બની રહ્યા છે અને આ સત્રમાં આખો દેશ દેશના ગૌરવનું આ ગીત સાંભળશે અને દરેક સાંસદ પાસેથી સાંભળશે.
ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા જઈ રહ્યુ છે
ભારતની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે પહેલા આપણે વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પરંતુ હવે આપણે તેને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા જઈ રહ્યા છીએ. ભારત પોતાની શક્તિથી વિશ્વ મંચ પર દસ્તક આપી રહ્યું છે. પીએમએ કહ્યું, જ્યારે તમે બધાએ 2014 માં અમને આર્થિક ક્ષેત્રમાં જવાબદારી સોંપી હતી, ત્યારે દેશ નાજુક પાંચના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. 2014 પહેલા, અમે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દસમા ક્રમે હતા. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
2014 પહેલા દેશમાં ફુગાવાનો દર બે આંકડામાં હતો
પીએમે એમ પણ કહ્યું, ‘2014 પહેલા, દેશમાં એક સમય એવો હતો જ્યારે ફુગાવાનો દર બે આંકડામાં હતો. આજે, આ દર લગભગ બે ટકા સુધી ઘટીને, દેશના સામાન્ય લોકોના જીવનમાં રાહત અને સુવિધા આવી છે. 25 કરોડ ગરીબ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેની વિશ્વની ઘણી સંસ્થાઓ પ્રશંસા કરી રહી છે.