‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’, નાગરિકોને 4 હજાર કરોડના ખર્ચે મળી પાયાની સુવિધાઓ

શહેરી વિકાસના 20 વર્ષ : મુખ્યમંત્રીનો ‘ઈઝ ઑફ લિવિંગ’ માટે સતત પ્રયાસ, જીયુડીસી અંતર્ગત નાના શહેરોમાં છેલ્લા 10 વર્ષમાં પાણી-ગટર સાથે સંકળાયેલા સેંકડો કામો હાથ ધરાયા, અંદાજે 100થી વધુ શહેરોમાં માળખાકીય સુવિધાઓ મળતા નાગરિકોનું જીવન બન્યું સરળ.

ગાંધીનગર, 19 જુલાઈ: ગુજરાત 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2005ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોદી દ્વારા શરૂ કરાવેલી શહેરી વિકાસ યાત્રાને વઘુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ તેમણે 20 વર્ષ બાદ 2025ને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં; મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ (એસજેએમએસવીવાય) હેઠળ રાજ્યના નાના-મોટા તમામ શહેરોના નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ના સતત પ્રયત્ન કરી રહ્યા છે.

ગુજરાત જ્યારે વર્ષ 2010માં પોતાની સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી રહ્યુ હતું, ત્યારે તે વખતના તત્કાલીન CM નરેન્દ્રએ 2009-10માં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ લાગુ કરી હતી અને આ યોજના વડે રાજ્યના મોટા નહીં, પણ નાના શહેરોના વિકાસને પણ મોટો વેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

આ યોજના હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2014-15થી 2024-25 એટલે કે છેલ્લા 10 વર્ષમાં રૂ. 3924.97 એટલે કે અંદાજે રૂ. 4 હજાર કરોડના ખર્ચે જળ વ્યવસ્થાપન તથા ભૂગર્ભ ગટર યોજના જેવી પાયાની સુવિધાઓના કાર્યો શરૂ કર્યા હતા. તેમાંથી રૂ. 2526.98 કરોડના કાર્યો પૂર્ણ થતાં અનેક નાના શહેરોના નાગરિકો માટે પાણી-ગટર જેવી પાયાની સુવિધાઓ સુલભ બની છે અને તેમના ઈઝ ઑફ લિવિંગમાં વધારો થયો છે. હાલમાં પણ રાજ્યના 54 શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 1398.19 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.

નોંધનીય છે કે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ના અમલીકરણ માટે અલગ-અલગ નોડલ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે અને તેમાંની એક નોડલ એજન્સી છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) કે જેને નાના શહેરોની કામગીરી સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જીયુડીસી દ્વારા આ યોજના હેઠળ મુખ્યત્વે રાજ્યના નાના શહેરોમાં છેલ્લા 10 વર્ષોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી), પાણી પુરવઠા યોજના તથા ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા છે. જળ વ્યવસ્થાપનના કાર્યોએ નાના શહેરોને નાની-નાની મુશ્કેલીઓથી મુક્ત કર્યા.

‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ છેલ્લા 10 વર્ષમાં કરાયેલા જળ વ્યવસ્થાપના કાર્યોએ નાના શહેરોને ગંદા પાણીના નિકાલ અંગેની નાની-નાની મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા છે. તેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મહત્વની કામીગીરી છે. જીયુડીસી દ્વારા રુ. 283.80 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુલ 16 પ્રોજેક્ટો પર કામગીરી શરુ કરવામાં આવી હતી. તે અંતર્ગત મહેસાણા તેમજ વડનગર જેવા શહેરોમાં કુલ રૂ. 58.74 કરોડના ખર્ચે આ બે પ્રોજેક્ટોની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે 14 પ્રોજેક્ટ હેઠળ રૂ. 225.06 કરોડના ખર્ચે ગઢડા, કઠલાલ, પાટડી, ઉપલેટા, સાવરકુંડલા, બાયડ, સિદ્ધપુર, સોજિત્રા, વલ્લભ વિધાનગર, વંથલી, મોડાસા, વિરમગામ, ઠાસરા, તરસાડી ખાતે કામગીરી પ્રગતિ હેઠળ છે.

પાણી પુરવઠા યોજનાઓએ વધાર્યું ઇઝ ઑફ લિવિંગ

જીયુડીસીએ છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 8 શહેરોમાં રૂ. 216.8 કરોડના ખર્ચે પાણી પુરવઠાના 10 પ્રોજેક્ટો હાથ ધર્યા હતાં. તેમાં વિજલપોર, તરસાડી, દાહોદ ફેજ-2, વેરાવળ-પાટણ, પાટણ, તરસાડી ભાગ-2, કનકપુર કનસાડ, સુરેન્દ્રનગર, તરસાડી ભાગ-3 તથા કલોલ (ઈમરજન્સી વોર્ડ નં. 6)નો સમાવેશ થાય છે. આ 10 કામો પૈકી 9 પ્રોજેક્ટ હેઠળ કુલ રુ. 212.95 કરોડના કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત; રૂ. 3.85 કરોડના ખર્ચે તરસાડી ભાગ-3ના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ યોજનાઓથી હજારો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો મળતો થયો છે અને તેમના ઈઝ ઑફ લિવિંગમાં વધારો થયો છે.

ભૂગર્ભ ગટર યોજનાઓએ સ્વચ્છતા તથા આરોગ્ય સુવિધાઓ વધારી

જીયુડીસીએ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના હેઠળ રૂ. 2255.29 કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે. આ કાર્યો થતાં આ શહેરોના નાગરિકોની સ્વચ્છતા તથા આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે. જીયુડીસીએ જે શહેરોમાં ભૂગર્ભગટર યોજનાઓના કાર્યો પૂર્ણ કરાય છે; તેમાં ધોળકા, વિરમગામ, બગસરા, અમરેલી, પેટલાદ, ખંભાત, આણંદ, બોરસદ, ડીસા, પાલનપુર, અંક્લેશ્વર, ભરૂચ, પાલીતાણા, મહુવા, છોટા ઉદેપુર, દેવગઢબારિયા, દાહોદ, ઝાલોદ, કલોલ, વેરાવળ-પાટણ, નડિયાદ, અંજાર, ભચાઉ, સંતરામપુર, ઉંઝા, કડી, મહેસાણા, વિસનગર, વડનગર, રાજપીપળા, નવસારી, વિજલપોર, બિલિમોરા, ગણદેવી, ગોધરા, શહેરા, કાલોલ, સિદ્ધપુર, પાટણ, હિંમતનગર, ખેડબ્રહ્મા, તરસાડી, બારડોલી, કનકપુર-કનસાડ, માંડવી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સોનગઢ, વ્યારા, ડભોઈ, વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, ધોળકા, રાજપીપળા અને ગાંધીધામ ભૂગર્ભ ગટર યોજનાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત; કુલ 49 અન્ય શહેરો માટે રૂ. 1100.83 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કાર્યો પ્રગતિ હેઠળ છે. તેમાં કઠલાલ, મોડાસા, ધરમપુર, પારડી, બાવળા, મોરબી, મુંદ્રા-બરોઈ, ઉમરેઠ, ધોળકા, વંથલી, જંબુસર, ઉપલેટા, કરજણ, પાલીતાણા, ઉના, ગોધરા, વિસનગર, વીજાપુર, અંજાર, ધ્રાંગધ્રા, વ્યારા, રાધનપુર, તલાલા, ઠાસરા, ચાણસ્મા, થરાદ, ધોરાજી, વેરાવળ, ગારિયાધાર, વલ્લ્ભીપુર, બાયડ, રાજુલા, જાફરાબાદ, વાપી, કોડીનાર, બોરસદ, હાલોલ, હારિજ, ઇડર, ઉંઝા, અંક્લેશ્વર, સાવરકુંડલા, તરસાડી, વડાલી, શિહોર, આમોદ, માંડવી (કચ્છ), બાલાસિનોર અને વિરમગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે, તો વાપી અને વિરમગામમાં રૂ. 68.25 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ (સ્ટ્રોમ વોટર ડ્રેનેજ)ના કામો પ્રગતિ હેઠળ છે.