સાબર ડેરી દ્વારા ભાવફેરના નિર્ણયને અંગે પશુપાલકો દ્વારા કરવામાં આવેલા ઉગ્રવિરોધ પ્રદર્શન બાદ હવે પોલીસ કડક કાર્યવાહી કરશે.
સાબરકાંઠા: હિંમતનગરમાં સાબર ડેરી ખાતે ખેડૂત-પશુપાલકો અને ડેરી તંત્ર વચ્ચે 6 દિવસથી ચાલી રહેલા ભાવ ફેરફારનો વિરોધ યથાવત રહ્યો છે.આ વિવાદ વચ્ચે ખેડૂત-પશુપાલકોની માંગણીઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 23મીએ એન્ટ્રી, મોડાસા ખાતે 23મીએ સવારે 11 વાગે મહાપંચાયત કરશે. ખેડૂતો-પશુપાલકોના સમર્થનમાં આ મહાપંચાયત આયોજન સભામાં કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પણ હાજરી આપશે. 24મીએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના મામલે ડેડિયાપાડા ખાતે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આપની વિસાવદર વિધાનસભાની બેઠક પેટા ચૂંટણીમાં જળવાઇ રહેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આગમી દિવસોમાં મહાનગરપાલીકા, નગરપાલીક, તાલુકા પંચાયતની ચુટણીઓ તેમજ 2027ના વિધાનસભા ઇલેક્શનને લઈને વધુ સક્રિય બન્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ખેડૂતો અને પશુપાલકો સાથે અન્યાય થઇ રહ્યો છે. કે ભાજપના રાજમાં ખેડૂતો અને પશુપાલકો સાથે અન્યાય થઇ રહ્યો છે. ડેરીઓનો નફો પશુપાલકોને આપવાના બદલે ભાજપની સભામાં વાપરી નાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે સાબર ડેરી ખાતે દૂધનો ભાવ ફેર માગવા ગયેલા પશુપાલકો ઉપર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો હતો. એક પશુપાલકનું આ ઘટનામાં મૃત્યુ પણ થયું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારથી ભાજપ મેન્ડેટ પદ્ધતિ લાવ્યું છે ત્યારથી સહકારી મંડળીઓમાં સમસ્યાઓ શરૂ થઇ છે. કેજરીવાલ અને માન પશુપાલકો અને ખેડૂતોની મહાપંચાયતમાં હાજરી આપીને તેમના પ્રશ્નો ઊઠાવશે.
દૂધ ઢોળનાર સામે કેસ દાખલ થશે
સાબરકાંઠાના SP. દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે, જો હવે રસ્તા પર દૂધ ઢોળવામાં આવશે અથવા ટેન્કરોના વાલ્વ ખોલી દૂધનો બગાડ કરવામાં આવશે, તો તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ પણ કરવામાં આવશે.
સમગ્ર મામલો શું છે?
સાબર ડેરીમાં તાજેતરમાં ખેડૂતો-પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં વધારના વાર્ષિક ભાવફેર (બોનસ)ની ઓછી ચૂકવણીને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે પશુપાલકોના પ્રદર્શનો હિંસક બન્યા હતા. હિંમતનગર ખાતે સાબર ડેરીના પરિસરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડયા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા અને ખેડૂતનું મોત પણ નિપજ્યું હતું.