રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. સર્વત્ર વરસાદ પડી રહ્યો છે તેવામાં આજે પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જળાધારી તૂટી ગઈ હતી અને તેના પથ્થરો 100થી 200 ફૂટ દૂર સુધી ઊડ્યા હતા, તેમ છતા શિવલિંગને કોઈ નુકસાન થયું નથી. તેમજ બાજુમાં રહેલા પંચતત્વો પણ એકદમ સુરક્ષિત છે.
પાલનપુર તાલુકામાં એક સપ્તાહમાં બીજીવાર વીજળી પડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ ખેડૂતના ખેતરમાં વીજળી પડવાથી ચાર પશુઓના મોત થયા હતા. ત્યારે આજે પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી. વીજળી પડતાં ભારે નુકસાન થયું છે. વીજળી પડવાથી મંદિરમાં પાણી ચઢાવવા માટેનાં વાસણો અને આજુબાજુના વિસ્તારોમાં રહેલાં ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે, જોકે શિવલિંગ એકદમ અખંડિત રહેતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મંદિરમાં પાર્વતી માતાની મૂર્તિને કોઇ નુકસાન થયું નથી. જ્યારે બહાર નંદિની મૂર્તિને પણ કોઈ નુકસાન થયું નથી. ગ્રામજનો અને ભક્તો આ ઘટનાને મહાદેવનો ચમત્કાર ગણાવી રહ્યાં છે.

વીજળી પડવાની માત્ર પાંચ મિનિટ પહેલાં જ મંદિરની બાજુમાં આવેલી શાળાનાં બાળકો ત્યાંથી નીકળી ગયા હતાં, જેથી મોટી દુર્ઘટના થતી ટળી હતી. વીજળી પડવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો હતો. કારણ કે વીજળી પડવાને કારણે મોટી જાનહાની થઈ શકતી હતી.
સવારે અચાનક થાંભલા પર વીજળી પડતાં બધાં બોર્ડ બળી ગયાં. બાદમાં વીજળી મંદિરમાં પડી ત્યારે જળાધારીના ટુકડા થઈ ગયા હતા, જોકે શિવલિંગ કે બાજુનાં પંચતત્ત્વોને કંઈ થયું નથી. આ ભગવાનનો એક પરચો છે, તેમણે મોટી દુર્ઘટના ટાળી દીધી.

આ મંદિરની સ્થાપના અષાઢ સુદ એકમ, 2021ના રોજ કરવામાં આવી હતી. આ મંદિરનું મુહૂર્ત સિદ્ધપુરના શાસ્ત્રીઓએ કર્યું હતું. આ મંદિરની સ્થાપના શિવભક્ત વસંતભાઇએ કરી હતી. આજની ઘટનામાં ભગવાનના આશીવાર્દથી મોટી દુર્ઘટના ટળી છે.
ઉલ્લેખનીય છે કે મંદિરમાં રહેલી નંદી, કાચબા અને અન્ય એક દેવીની મૂર્તિ પણ અખંડિત રહી છે. જ્યારે શિવલિંગની આસપાસની જલધારા આખી તૂટી ગઈ છે. તેના પથ્થરો ઉડીને છેક મંદિર બહાર પટાંગણમાં પડ્યા છે. લોકો આ ઘટનાને ચમત્કાર જ માની રહ્યા છે.