ઉમેશ મકવાણાની રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.
વિસાવદરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય હાંસલ કર્યો તેને માત્ર ત્રણ દિવસ થયા છે, ત્યાં તો ગુજરાત પ્રદેશમાં આપ પાર્ટીમાં આંતરિક વિખવાદને લઈને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પક્ષમાં જાતિવાદી રાજનીતિના આક્ષેપ કર્યા હતાં. આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી અને વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપ્યું છે. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે. કેજરીવાલને સંબોધીને લખેલા પત્રમાં ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે, હું છેલ્લા 2.5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યો છું. આ સાથે, હું ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા તરીકે સેવા આપી રહ્યો છું. હાલમાં, મારી સામાજિક સેવાઓમાં ઘટાડો થવાને કારણે, હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું.
તેમણે એમ પણ લખ્યું કે હું એક કાર્યકર તરીકે પાર્ટી માટે કામ કરીશ. મને બધા પદો અને જવાબદારીઓમાંથી મુક્ત કરો તેવો તમને અનુરોધ છે. સાથે જ તેમણે પાર્ટી સામે કેટલાક આરોપ પણ મૂક્યા છે.
એક પત્રકારપરિષદ બોલાવીને ઉમેશ મકવાણાએ કહ્યું કે “રાજકારણમાં જાતિવાદની અસર વધતી જાય છે. તેમણે જણાવ્યું કે, મે 20 વર્ષ સુધી ભાજપમાં અલગ અલગ પદો પર કામ કર્યું. જ્યારે ગુજરાતમાં કોઈ AAP ને ઓળખતું પણ નહોતું, ત્યારે મે શાસક ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો. આજે, AAP માં, મને લાગે છે કે આપણે બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતોથી ભટકી રહ્યા છીએ; આ જ કારણ છે કે મે આપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. હું પાર્ટીના કાર્યકર તરીકે કામ કરવાનું ચાલુ રાખું છું. હું બોટાદના લોકો વચ્ચે જઈશ. અલગ પાર્ટી બનાવવી કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે હું થોડા લોકોને મળીશ.
ઉમેશ મકવાણાએ કહ્યું કે “આપમાં જોડાયો ત્યારે મને હતું કે મારા સમાજનો મુદ્દો ઉઠાવીશ. કડીમાં પણ વિધાનસભાની ચૂંટણી હતી જ્યાં અમારા ઉમેદવારે 10 લાખની લોન લઈને એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. તેમની સાથે કોઈ ન હતું. તેઓ દલિત સમાજના છે.”
“બીજી તરફ પાટીદાર સમાજના ગોપાલ ઇટાલિયા વીસાવદરમાં લડતા હતા ત્યારે આપની આખી પ્રદેશી ટીમ અને રાષ્ટ્રીય ટીમ ત્યાં કામે લાગી હતી. ત્યાં કરોડો રૂપિયા નાખી દીધા. કડીના ઉમેદવાર હારી ગયા હવે તેઓ લોનના 10 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવશે.”
“કડીના ઉમેદવાર દલિત હતા તેથી તેને છોડી દીધા જ્યારે વીસાવદરમાં પાટીદાર નેતા હતા, સવર્ણ હતા તેથી પાર્ટીએ તાકાત લગાવીને તેને જીતાડી દીધા. આ ભેદભાવ નહીં ચાલે.”
ઉમેશ મકવાણાની રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોશિયલ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિ માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.”