ભારતીય રેલ્વેએ ટ્રેનની ટિકિટના ભાવમાં કર્યો વધારો, 1 જુલાઈથી અમલી થશે

indianRail

મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે, 15 જુલાઈ, 2025 થી, મુસાફરોએ તત્કાલ ટિકિટ બુક કરતી વખતે આધાર-આધારિત OTP પ્રમાણીકરણનું વધારાનું પગલું પૂર્ણ કરવું પડશે.

ભારતીય રેલવે ઘણા વર્ષો બાદ પહેલી વાર પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે. ભારતીય રેલવેએ 1 જુલાઈ, 2025થી એસી અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે.

રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા થતા ખર્ચ અને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે આ વધારો ખૂબ જ નજીવો છે, જેથી સામાન્ય મુસાફરો પર વધુ બોજ નહિ પડે.

અહેવાલ મુજબ, નોન-એસી મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના પેસેન્જર ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે. એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે.

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો ભાવ વધારાનો ચૂકવવાનો રહેશે.

આ ઉપરાંત નોન-એસી મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે, જ્યારે એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે. શહેરી ટ્રેનના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે. તેમજ પાસના રેટમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય બીજા વર્ગમાં 500 કિમી સુધીની મુસાફરી માટેના ભાડા યથાવત રહેશે.

તત્કાલ ટિકિટ બુકિંગ
રેલ્વે મંત્રાલયે 1 જુલાઈ, 2025 થી IRCTC વેબસાઇટ અને એપ દ્વારા તમામ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે. 10 જૂનના રોજ એક નિર્દેશ દ્વારા જાહેર કરાયેલ આ પગલાનો ઉદ્દેશ્ય તત્કાલ યોજનાનો દુરુપયોગ અટકાવવા અને સાચા વપરાશકર્તાઓને ટિકિટ ફાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે.

મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે, 15 જુલાઈ, 2025 થી, મુસાફરોએ તત્કાલ ટિકિટ બુક કરતી વખતે આધાર-આધારિત OTP પ્રમાણીકરણનું વધારાનું પગલું પૂર્ણ કરવું પડશે.

રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર
રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ નિયમ હતો કે જો તમે ટ્રેન ટિકિટ અગાઉ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જતી હતી કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે કન્ફર્મ સીટ સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા જ જાહેર કરવામાં આવશે. ટિકિટ બુકિંગની આ નવી સિસ્ટમની ટ્રાયલ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરુ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી જ મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી.