ટ્રમ્પે અમેરિકાને નવા યુદ્ધમાં ધકેલી દીધું: ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવનું નિવેદન

dimitriMedvedev

રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સહાયક અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે ટ્રમ્પે અમેરિકાને નવા યુદ્ધમાં ધકેલી દીધું છે. ઈરાન પરના હવાઈ હુમલા અંગે તેમણે કહ્યું કે ઘણા દેશો ઈરાનને પરમાણુ શસ્ત્રો આપવા તૈયાર છે.

અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે (23 જૂન, 2025) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. તે પહેલાં, પુતિનના નજીકના સહાયક અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવદેવે આવું નિવેદન આપ્યું છે, જેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ ટેન્શન વધ્યુ છે.

રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ લગાવતા કહ્યું કે ‘ટ્રમ્પે અમેરિકાને નવા યુદ્ધમાં ધકેલી દીધુ છે.’ મેદવદેવે કહ્યું. ‘શાંતિ સ્થાપનારા રાષ્ટ્રપતિ તરીકે આવેલા ટ્રમ્પે અમેરિકા માટે એક નવું યુદ્ધ શરૂ કર્યું છે.’

અમેરિકાના હવાઈ હુમલા પર સવાલ ઉઠાવતા, ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ હુમલામાં ઈરાનના માળખાને કોઈ ખાસ નુકસાન થયું નથી અથવા મામુલી નુકસાન થયું છે. હવે અમે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખશે.’

તેમણે દાવો કર્યો, ‘ઘણા દેશો ઈરાનને સીધા તેમના પરમાણુ શસ્ત્રો આપવા માટે તૈયાર છે.’ જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા દેશો વિશે વાત કરી રહ્યા હતા. મેદવદેવે વધુમાં કહ્યું કે ઇઝરાયલી વસ્તી હવે સતત ભયમાં જીવી રહી છે, દેશના ઘણા ભાગોમાં વિસ્ફોટો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા હવે એક નવા સંઘર્ષમાં ફસાઈ ગયું છે, જેમાં જમીની કાર્યવાહીની શક્યતા દેખાઈ રહી છે.’

તેમણે એમ પણ સૂચવ્યું કે હુમલાઓએ ઈરાનને રાજકીય રીતે મજબૂત બનાવ્યું છે. રશિયન નેતાએ કહ્યું, ‘ઈરાનનું રાજકીય શાસન બચી ગયું છે અને બધી શક્યતાઓમાં તે વધુ મજબૂત બન્યું છે. લોકો દેશના આધ્યાત્મિક નેતૃત્વની આસપાસ એક થઈ રહ્યા છે, જેમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ અગાઉ ઉદાસીન હતા અથવા તેનો વિરોધ કરતા હતા.’

આ દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એ વાતને નકારી કાઢી કે તેહરાન વર્તમાન પરિસ્થિતિમાં પરમાણુ વાટાઘાટોમાં ફરીથી જોડાશે. તેમણે કહ્યું, ‘અમે રાજદ્વારી સંબંધોના મધ્યમાં હતા. અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટોના મધ્યમાં હતા જ્યારે ઇઝરાયલે તેના પર હુમલો કર્યો.’

તેમણે કહ્યું કે યુએસ હુમલાના બે દિવસ પહેલા જ જીનીવામાં યુરોપિયન વાટાઘાટકારો સાથે વાટાઘાટો ચાલી રહી હતી. આ સમય દરમિયાન, અમેરિકાએ અમારા પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. ઈરાન નહીં પણ અમેરિકાએ દગો કર્યો છે.